- સરકારી શાળાની 26 વિદ્યાર્થીનીઓ કોરાના પોઝિટિવ
- બાકીના 15 વિદ્યાર્થીઓના સેમ્પલ ટેસ્ટ માટે મોકલાયા
ભુવનેશ્વર :ઓડિશાના મયુરભંજ જિલ્લાની એક સરકારી શાળાના 26 વિદ્યાર્થીઓ કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી. જિલ્લા વહીવટીતંત્રે માહિતી આપી હતી કે,મયુરભંજના ઠાકુરમુંડામાં આવેલી ચમકપુર આદિવાસી રેસિડેન્શિયલ ગર્લ્સ સ્કૂલની 26 વિદ્યાર્થિનીઓ કોરોનાવાયરસની ઝપેટમાં આવી ચુકી છે. જ્યારે બાકીના 15 વિદ્યાર્થીઓના સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે.
સંક્રમિત વિદ્યાર્થીઓને સરકારી શાળાના પરિસરમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને અધિકારીઓ દ્વારા સતત કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, કરંજિયા સબ-ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ રજનીકાંત બિસ્વાલે કહ્યું, “જિલ્લા વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર છે. ડોકટરોની ટીમ તેમની દેખરેખ રાખી રહી છે. દવાઓ આપવામાં આવી રહી છે અને એમ્બ્યુલન્સને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. જો પરિસ્થિતિ વધુ વણસે તો અમે વિદ્યાર્થીઓને DHH હોસ્પિટલમાં ખસેડીશું.
તેમણે વધુમાં કહ્યું કે,આ વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે અને શાળાના પરિસરને દિવસમાં બે વખત સેનિટાઈઝ કરવામાં આવે છે. COVID-19 સુરક્ષા પ્રોટોકોલના ભાગ રૂપે, કોરોનાવાયરસ પરીક્ષણ માટે તમામ વિદ્યાર્થીઓના નમૂનાઓ એકત્રિત કરવામાં આવશે. શાળામાં 20 સ્ટાફ સભ્યો સાથે કુલ 259 વિદ્યાર્થીઓ છે. કેટલાક વિદ્યાર્થીઓમાં શરદી અને ઉધરસના લક્ષણો જોવા મળ્યા હતા, જેના પછી તેઓ ગુરુવારે બીમાર પડ્યા હતા. આ પછી, શાળા સત્તાવાળાઓએ બીમાર વિદ્યાર્થીઓનો કોવિડ -19 ટેસ્ટ કરાવ્યો. કોરોના તપાસમાં 26 વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.