દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી ભારતીય સુરક્ષા એજન્સીઓની પાકિસ્તાન માટે જાસુસી કરતા શખ્સોને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે. દરમિયાન રાજસ્થાનના જેસલમેરમાંથી પોલીસે એક શંકાસ્પદ જાસુસને ઝડપી લીધો હતો. તેની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. આરોપી વર્ષ 2015માં પાકિસ્તાન ગયો હતો. જ્યાં ISI હેન્ડલરના સંપર્કમાં આવ્યો હતો અને જાસુસી માટે કેટલીક તાલીમ પણ લીધી હોવાનું જાણવા મળે છે.
રાજસ્થાનના જેસલમેરમાં પાડોશી દેશ પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આરોપીનું નામ નવાબ ખાન છે, આરોપી 32 વર્ષનો છે અને તે ચનેસર ખાનની ધાનીનો રહેવાસી છે. આરોપીએ પાકિસ્તાન માટે જાસૂસીની આશંકાના આધારે જયપુરથી સુરક્ષા એજન્સીઓએ અટકાયતમાં લીધો છે. સુરક્ષા એજન્સીનું માનવું છે કે અટકાયત કરાયેલ નવાબ ISI માટે સ્લીપર સેલ તરીકે કામ કરતો હતો. હાલ તેને જયપુર લાવવામાં આવ્યો છે અને શંકાના આધારે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. નવાબની પૂછપરછ બાદ ઘણી મહત્વની માહિતી બહાર આવી શકે છે અને સ્લીપર સેલ વિશે પણ ઘણી માહિતી બહાર આવી શકે છે.
ઈન્ટેલિજન્સ ડાયરેક્ટર જનરલ ઉમેશ મિશ્રાએ જણાવ્યું કે આરોપી નવાબ ખાન મોબાઈલ સિમ કાર્ડ વેચવાની નાની દુકાન ચલાવે છે અને લાંબા સમયથી પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ માટે જાસૂસી કરી રહ્યો હતો. મિશ્રાએ કહ્યું કે ખાન 2015માં પાકિસ્તાન ગયો હતો જ્યાં તે ISI હેન્ડલરના સંપર્કમાં આવ્યો હતો. જ્યાં તેણે 15 દિવસની ટ્રેનિંગ આપવામાં આવી અને તેના બદલામાં 10,000 રૂપિયા પણ આપવામાં આવ્યા હતા. જે બાદ ભારત પરત ફરીને તેણે પાક એજન્સી માટે જાસૂસી કરવાનું શરૂ કર્યું હતું. મિશ્રાએ કહ્યું કે આરોપી ભારતીય સેનાની સ્થાનિક ગતિવિધિઓ સાથે જોડાયેલી માહિતી તેના હેન્ડલરને સોશિયલ મીડિયા દ્વારા પહોંચાડતો હતો.