ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આગામી તા. 10મી જાન્યુઆરીથી વાયબ્રન્ટ સમિટનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. વાયબ્રન્ટ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેવાના છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા વાયબ્રન્ટની ધૂમ તૈયારીઓ ચાલી રહી છે.આ સમિટ માટે 1937 જેટલા ઉદ્યોગકારો અને 1904 જેટલી કંપનીઓએ નોંધણી કરાવી દીધી છે. બીજી તરફ દ. આફ્રિકા સહિતના દેશોમાં કોરોનાના નવા વેરિયન્ટનો કહેર શરૂ થતાં ગુજરાત સરકાર પણ આ મામલે ચિંતિત બની ગઈ છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા પણ કોરોનાના નવા વેરિયન્ટના ખતરાને ધ્યાનમાં રાખીને વાઇબ્રન્ટ રદ્દ કરવા માંગ કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વાઈબ્રન્ટ સમિટની તાબડતોબ તૈયારીઓ ચાલી રહી છે. વાઈબ્રન્ટ સમિટને સફળ બનાવવા માટે સરકાર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. નાણાં વિભાગના મુખ્ય સચિવ જે પી ગુપ્તાની અધ્યક્ષતામાં ડેલિગેશન અમેરિકાના પ્રવાસે રવાના થયું છે. જે 5 ડિસેમ્બર સુધી અમેરિકાના અલગ અલગ રાજ્યોમાં રોડ શો કરશે તેમજ ભારતીય મૂળના સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગકારો, રોકાણકારો સાથે બેઠક કરશે.
વાઈબ્રાન્ટ સમિટ માટે ગુજરાત સરકારથી લઈને કેન્દ્ર સરકાર દ્વારા ધરખમ પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. અમેરિકા, સાઉથ આફ્રિકા, સાઉથ કોરિયા અને જાપાન સહિતના દેશના ડેલિગેશન સાથે ઇન્ટરનેશનલ વર્ચ્યુઅલ રોડ શો યોજાશે. તે ઉપરાંત ડિસેમ્બરમાં પ્રિ વાઈબ્રન્ટ સમિટની પણ શરુઆત થશે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા ધોલેરાના આ વાઈબ્રાન્ટ સમિટમાં પણ એક મહત્વના રોકાણ હબ તરીકે પ્રસ્તુત કરવામાં આવશે. આ માટે 8 જાન્યુઆરીના રોજ ધોલેરા સ્માર્ટ સિટી ટુ સ્માર્ટ બિઝનેસ નામથી સેમિનાર યોજાશે.
બીજી તરફ જેટલો ઉત્સાહ અત્યારે છે તેટલા ઉત્સાહ સાથે ખરેખર સમિટ ઉજવાઈ શકશે કે કેમ તે પહેલો સવાલ બની ગયો છે. કારણ કે દ. આફ્રિકા સહિતના દેશોમાં કોરોનાના નવા વેરિયન્ટનો કહેશ શરૂ થતાં જ જ ગુજરાતમાં જાન્યુઆરીમા યોજનારી ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ પર ગ્રહણ લાગવાનો ખતરો ઊભો થયો છે, ગુજરાત સરકાર પણ આ મામલે ચિંતિત બની ગઈ છે અને આગામી કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગળ વધી શકે છે. (file photo)