CBSEની ધો.10, 12ની પ્રથમ ટર્મની પરીક્ષાના વર્ગ ખંડમાં 22થી વધુ પરીક્ષાર્થીઓને બેસાડી શકાશે નહીં
અમદાવાદઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ની પ્રથમ ટર્મની પરીક્ષા મંગળવારથી લેવામાં આવશે. ત્યારે પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. બોર્ડ દ્વારા પરીક્ષા માટે વિદ્યાર્થીઓની વર્ગ વ્યવસ્થાને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. જે મુજબ એક વર્ગમાં મહત્તમ 22 વિદ્યાર્થીને જ પરીક્ષા માટે બેસાડવાના રહેશે. જો કોઈ સ્કૂલ દ્વારા 22 કરતા વધુ વિદ્યાર્થીને પરીક્ષા ખંડમાં બેસાડ્યા હોવાનું માલુમ પડશે તો તેવી સ્કૂલો સામે કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ CBSE બોર્ડની ધોરણ-10ની પ્રથમ ટર્મની પરીક્ષા આવતી કાલ તા. 30મી નવેમ્બરથી જ્યારે ધોરણ-12ની પરીક્ષા 1 ડિસેમ્બરથી શરૂ થશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ-10 અને 12ની પ્રથમ ટર્મની પરીક્ષાને લઈને મહત્વપૂર્ણ નોટિસ જાહેર કરી છે. આ નોટિસ અનુસાર કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખતા એક વર્ગમાં માત્ર 22 બાળકોને જ પરીક્ષા આપવા માટે બેસાડવામાં આવશે. સાથે જ તમામ બાળકોને પરીક્ષામાં માસ્ક પહેરીને આવવાનું રહેશે. જો કોઈ સ્કૂલ એક વર્ગમાં 22 વિદ્યાર્થીઓ કરતા વધુ વિદ્યાર્થીઓને બેસાડીને પરીક્ષા લેતી હોવાનું જણાશે તો તે સ્કૂલ સામે બોર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષા બે ટર્મમાં લેવાનું નક્કી કર્યું છે. જેમાં ધોરણ-10ના મુખ્ય વિષયોની પરીક્ષા 30 નવેમ્બરથી શરૂ કરવામાં આવશે. જ્યારે ધોરણ-12ના મુખ્ય વિષયોની પરીક્ષા 1 ડિસેમ્બરથી શરૂ કરવાનું આયોજન બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે વૈકલ્પિક વિષયોની પરીક્ષા શરૂ થઈ ગઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. વૈકલ્પિક વિષયોની પરીક્ષા સ્કૂલોમાં હવે લગભગ પૂર્ણતાના આરે છે. જ્યારે મુખ્ય વિષયોની પરીક્ષા હવે શરૂ થવાની છે ત્યારે સ્કૂલો અને વિદ્યાર્થીઓ આ પરીક્ષાને લઈને સજ્જ બન્યા છે.
CBSE બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનનું શાળાઓએ પાલન કરવાની તૈયારીઓ કરી દીધી છે. જેમાં સ્કૂલોએ પરીક્ષા આપવા માટે આવનારા તમામ વિદ્યાર્થીઓને ફરજિયાત માસ્ક પહેરીને આવવા માટે સૂચના આપી છે. આ ઉપરાંત સ્કૂલોએ બોર્ડના નિયમાનુસાર એક વર્ગમાં મહત્તમ 22 વિદ્યાર્થીઓને બેસાડવા માટેની વ્યવસ્થા પણ કરી લીધી હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત તમામ પરીક્ષા કેન્દ્રો પર થર્મલ સ્કેનિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી પરીક્ષા વખતે આવનારા તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફનું થર્મલ ચેકીંગ કરવામાં આવ્યા બાદ જ પ્રવેશ અપાશે. (file photo)