ઓમિક્રોનને લીધે વિદેશી ફ્લાઈટ્સના ભાડાંમાં વધારો, કેનેડા જતા વિદ્યાર્થીઓને 3 લાખ ખર્ચવા પડે છે
અમદાવાદઃ કોરોનાના કપરા કાળમાંથી લોકો બહાર આવીને હાશ અનુભવતા હતા ત્યાં જ આફ્રિકામાં મળી આવેલા કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને પગલે લોકોની ચિંતામાં વધારો કર્યો છે. ગુજરાતમાં તો કોરોનાએ લગભગ વિદાય લઈ લીધા હતી. અને ખૂબજ ઓછા કેસ નોંધાતા હતા. સરકારે પણ તમામ નિયંત્રણો હળવા કરી દીધા હતા. સાથે જ ધો. 1થી12ની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ પણ શરૂ કરી દીધુ હતું. લોકો કોરોનાને ભૂલવા લાગ્યા હતા ત્યાં જ આફ્રિકામાં કોરોનાના મળેલા નવા વેરિયેન્ટને લઈને લોકો ચિંતિત છે, જેને પગલે અનેક દેશો ઈન્ટરનેશનલ ફ્લાઈટો પર પ્રતિબંધ મૂકવા વિચારી રહ્યા છે. ભારતમાં પણ 15 ડિસેમ્બરથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ શરૂ કરવાના ડીજીસીએના નિર્ણયની ફરીથી સમીક્ષા કરવા સરકારે સૂચના આપી દીધી હોવાનું કહેવાય છે. ત્યારે વિદેશમાં અભ્યાસ કરવા માટે જતાં વિદ્યાર્થીઓને હવે વિમાની ટિકિટના વધુ ભાવ ખર્ચવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આફ્રિકામાં મળી આવેલા કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને પગલે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર ગમે ત્યારે પ્રતિબંધ આવે એ પહેલાં અભ્યાસ કરવા અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા કે લંડન જતા વિદ્યાર્થીઓ સહિત અન્ય લોકો જે-તે દેશમાં પહોંચી જવા માગે છે, જેને પગલે આ દેશોમાં જતી ફ્લાઈટના ભાડામાં અઢીથી ત્રણ ગણો વધારો નોંધાયો છે. અમદાવાદ સહિત ગુજરાતમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કેનેડા જતા હોવાથી હાલ કેનેડાની ટિકિટ માટે ત્રણ લાખ રૂપિયા સુધી ખર્ચવા છતાં વિદ્યાર્થીઓને ટિકિટ મળતી નથી. બીજી તરફ ડોમેસ્ટિક ફ્લાઈટોના બુકિંગમાં પણ 20થી 25 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.
અમદાવાદના ફ્લાઈટ ટિકિટ બુકિંગ એજન્ટે જણાવ્યું હતું કે છેલ્લા 4 દિવસથી ઇન્ટરનેશનલ ફ્લાઈટમાં બુકિંગ કરાવવા માટે લોકો દુવિધામાં છે તથા હાલ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે. એ જ રીતે ઇન્ટરનેશનલ ફ્લાઈટમાં બુકિંગ કરાવી ચૂકેલા લોકો પણ દુવિધા અનુભવી રહ્યા છે. ગમે ત્યારે ઈન્ટરનેશનલ ફ્લાઈટો પર પ્રતિબંધ આવે એવી શક્યતા વચ્ચે અનેક લોકો ટિકિટ કેન્સલ કરાવવી કે નહીં એ અંગે પૂછપરછ કરી રહ્યા છે. શહેરના અન્ય બુકિંગ એજન્ટે જણાવ્યું હતું કે 15 ડિસેમ્બર સુધીમાં અનેક દેશો ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મુકાવાની શક્યતા વચ્ચે તેમની ઓફિસે સોમવારે જ 25 જેટલા લોકોએ ટિકિટ કેન્સલ કરાવવા માટે પૂછપરછ કરી હતી. વધુમાં તેમની એજન્સીમાં દિવાળી દરમિયાન રોજની 60 લાખથી 70 લાખ રૂપિયા સુધીની કિંમતની ટિકિટો બુક થઈ હતી. જ્યારે સામાન્ય દિવસોમાં રોજની 40 લાખથી 50 લાખ રૂપિયાની કિંમતની ટિકિટો બુક થાય છે, પરંતુ છેલ્લા 3-4 દિવસથી બુકિંગમાં ઘટાડો થવાની સાથે સોમવારે આશરે 25 લાખ રૂપિયાની કિંમતની ટિકિટો જ બુક થઈ હતી. અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જવા માટે એક તરફની ટિકિટ સામાન્ય દિવસોમાં 60 હજારથી 75 હજાર રૂપિયામાં મળતી હતી, પરંતુ હાલ ટિકિટનું ભાડું બેથી ત્રણ લાખ સુધી પહોંચી ગયું છે. લંડનનું ભાડું 35 હજારથી 50 હજાર સુધી હતું, જે વધીને 1 લાખથી વધી ગયું છે.