અમદાવાદમાં વહેલી સવારે વરસાદના ઝાપટા,રાજ્યમાં વરસાદની આગાહી
- અમદાવાદમાં વરસાદના ઝાપટા
- રાજ્યમાં વરસાદની આગાહી
- ઠંડી વધવાની સંભાવના
અમદાવાદ :રાજ્યમાં વરસાદની આગાહી તો કરી દેવામાં આવી છે, ત્યારે અમદાવાદના શહેરી વિસ્તારમાં સવારે કમોસમી વરસાદના ઝાપટા પડ્યા છે. જાણકારી અનુસાર કમોસમી વરસાદ થવાના કારણે ઠંડીનું પ્રમાણ વધી શકે છે અને તાપમાનમાં પણ નોંધપાત્ર બદલાવ જોવા મળી શકે છે.
કમોસમી વરસાદના કારણે અને વરસાદની આગાહીના કારણે ખેડૂતો પણ ચિંતામાં જોવા મળ્યા છે. જો કમોસમી વરસાદ આવે તો ખેડૂતોને પાકનું નુક્સાન જવાની સંભાવનાઓ છે. આ કમોસમી વરસાદની અસર સમગ્ર રાજ્યના શહેરો સાથે રાજકોટ, જામનગર અને અમરેલીમાં પણ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને લઈને તંત્ર દ્વારા પણ યોગ્ય પગલા લેવામાં આવ્યા છે. વડોદરાના જરોદની બટાલિયનની 6 ટીમો રવાના કરવામાં આવી છે. એક ટીમ વલસાડ અને એક ટીમ અમરેલી મોકલવામાં આવી છે.
આ ઉપરાંત માવઠાની અસરને લઇને માર્કેટિંગ યાર્ડ હરકતમાં આવ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડે ખુલ્લામાં પડેલી 30 હજાર ગુણ મગફળી ઢાંકવાની કામગીરી કરી છે. જૂનાગઢ, ભાવનગર અને સાબરકાંઠા માર્કેટયાર્ડમાં આવી રહેલી જણસી પર અસર થઇ છે. મગફળી, સોયાબીન અને ધાણાની આવક બંધ કરવામાં આવી છે. અને જ્યાં સુધી જાહેરાત ન કરાઈ ત્યાં સુધી આવક બંધ રહેશે. તો આ તરફ ભાવનગર યાર્ડના સત્તાધીશો અને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.