અમદાવાદઃ દેશમાં ગુજરાત હોય કે દિલ્હી કે ગમે તે રાજ્ય, પોલીસ તો બધે સરખી જ હોય છે. ઘણીવાર પોલીસ દ્વારા ગુનાઓ ઉકેલવા માટે થર્ડ ડિગ્રીને ઉપયોગ કરવામાં આવતો હોય છે. અને પોલીસ કસ્ટડીમાં કેદીના મૃત્યુના બનાવો પણ બનતા હોય છે. કસ્ટોડિયલ ડેથ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આંકડાઓએ ગુજરાતની ખેદજનક સ્થિતિ દર્શાવી છે. આ વર્ષે જેલ કસ્ટડીમાં મૃત્યુનાં સંદર્ભે સમગ્ર દેશમાં ગુજરાત બીજા ક્રમે રહ્યું છે. આ વર્ષે જેલમાં મૃત્યુ પામેલા કેદીઓની સૌથી વધુ સંખ્યા મહારાષ્ટ્રમાં જોવા મળી છે તેમજ 15 નવેમ્બર સુધીમાં 21 મોત સાથે ગુજરાતની સ્થિતિ પણ ખરાબ રહી છે..
સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રિય ગૃહ વિભાગના રજુ કરાયેલા આંકડા મુજબ કસ્ટડીમાં મોતના મામલામાં ગુજરાત ઉત્તર પ્રદેશ કરતા પણ આગળ છે. યુનિયન હોમ મિનીસ્ટ્રીનાં આંકડાઓ મુજબ દેશમાં પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 151 એ પહોંચી હતી જેમાં 14 મોત ગુજરાતમાં નોંધાયા હતા તો બિહારમાં પોલીસ કસ્ટડીમાં 18 તેમજ ઉતરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં 11 મોત નોંધાયા હતા, જો કે, તેમ છતાં ગુજરાત કરતાં ઉત્તર અને મધ્યપ્રદેશની સ્થિતિ ઘણી સારી જોવા મળી હતી. લોકસભામાં રજૂ કરાયેલા આંકડાઓ પરથી એ જાણવા મળ્યું હતું કે, ગુજરાતમાં હજુ પણ કસ્ટડી દરમિયાન કેદીને હેરાન કરવાની ઘટનાઓ બની રહી છે.
ગુજરાતમાં આ વર્ષે વર્ષે જાન્યુઆરીમાં કચ્છ પોલીસે ઘર તોડવાનાં મામલામાં સંદીગ્ધ બે આરોપીને માર મારતા મોત નિપજ્યા હતા. આ ઘટના બાદ તેની સામે ન્યાયિક તપાસનાં આદેશ અપાયા હતાં તેમજ સપ્ટેમ્બરમાં અરવલ્લી પોલીસે ગ્રેનેડ વિસ્ફોટની તપાસની બાબતમાં એક યુવકને પુછપરછ માટે પકડયો હતો. તે એક ઝાડ સાથે લટકેલો મળ્યો. આ યુવકનાં કુટુંબીજનોએ આરોપ બનાવ્યો હતો કે, પોલીસનો અત્યાચાર સહન ન કરી શકવાને કારણે તેણે આત્મહત્યા કરી લીધી હતી. આ ઉપરાંત પંચમહાલ જિલ્લાનાં ગોધરામાં વધુ એક કસ્ટડીયલ મોતનાં સમાચાર મળ્યા હતાં. લોકઅપમાં અત્યાચારની ઘટનાઓ ઉપરાંત ન્યાયિક હિરાસતમાં અથવા જેલોમાં મોતનાં મામલે પણ રાજયનું ચિત્ર સારું નથી. 2018-19 અને 2020-21ની વચ્ચે રાજયભરમાં વિવિધ જેલોમાં 202 મોત થયાનાં સમાચાર મળ્યાં હતાં. 2020માં ભારતમાં નેશનલ ક્રાઈમ રેકોર્ડસ બ્યુરોનાં આંકડા મુજબ ગુજરાતમાં હિરાસતમાં થનારા મોતની સંખ્યા સૌથી વધુ હતી.