આંધ્રપ્રદેશ: દરિયાકિનારા તરફ આગળ વધી રહ્યું છે તોફાન ‘જવાદ’
- હવામાન વિભાગે આપી જાણકારી
- તોફાન ‘જવાદ’ દરિયાકિનારા તરફ વધી રહ્યું છે
- લોકોને સલામત રહેવાની અપીલ
હૈદ્રાબાદ: આંધ્રપ્રદેશના દરિયાકિનારા તરફ આવતા ‘જવાદ’ તોફાનને કારણે તંત્ર એલર્ટ મોડ પર છે. લોકોને સતર્ક અને સલામત રહેવાનું પણ કહેવામાં આવ્યું છે. ‘જવાદ’ના કારણે હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વાવાઝોડાની ઝડપ 100 કિમી પ્રતિ કલાક રહેવાની સંભાવના છે અને અતિ ઝડપે પવન ફૂંકાવાના કારણે વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાય થઈ શકે છે. ખેડૂતોને તેમના પાકનું રક્ષણ કરવા વિનંતી કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારના લોકોએ સલામત સ્થળે રહેવું જોઈએ. ચક્રવાતી વાવાઝોડાને કારણે લોકોએ સુરક્ષિત સ્થળોએ રહેવું જોઈએ કારણ કે તેનાથી ભૂસ્ખલન પણ થઈ શકે છે.
હવામાન વિભાગ દ્વારા આ તોફાનને લઈને એવું પણ કહેવામાં આવ્યું છે કે આવતીકાલ સુધીમાં તે આગળ વધશે અને વધુ તીવ્ર બનશે. આ પછી તે ઉત્તર-પૂર્વ દિશા તરફ વળશે અને કિનારે સમાંતર ચાલશે. તે ઓડિશાના ગોપાલપુર અને પુરી વચ્ચેથી પસાર થશે.
ઉલ્લેખનીય છે કે કોઈ પણ પ્રકારની જાનહાની કે નુક્સાન ન સર્જાય તે માટે તંત્ર દ્વારા એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી છે. એનડીઆરએફના એક અધિકારી દ્વારા તે પણ કહેવામાં આવ્યું કે અમે કોઈપણ સંજોગો માટે 24×7 તૈયાર છીએ અને એલર્ટ છીએ. મુખ્ય ચિંતા ભૂસ્ખલન અને વૃક્ષો ઉખડવાની છે. કોઈપણ ટ્રાફિક સમસ્યાને ટાળવા માટે, અમારે ઝડપથી રસ્તાઓ સાફ કરવા પડશે. અમારી પાસે બહુ-પ્રતિભાશાળી કર્મચારીઓ છે જે કોઈપણ પરિસ્થિતિનો જવાબ આપી શકે છે.