દરિયાઈ કરન્ટ હળવો થતા ઘોઘા-હજીરા ફેરી સર્વિસ પુનઃ શરૂ કરાઈ
ભાવનગરઃ અરબી સમુદ્ર અને ખંભાતના અખાતમાં સર્જાયેલા લોપ્રેશરને કારણે છેલ્લા બે દિવસ દરમિયાન દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. ત્યારેબાદ હવે પરિસ્થિતિ હળવી બનતા ઘોઘા-હજીરા વચ્ચેની ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી છે. બે દિવસ પહેલા દરિયો તોફાની બન્યો હતો ત્યારે હજીરાથી ઘોઘા ફેરી સર્વિસ તેના નિયત સમયે આવી હતી, પરંતુ ઘોઘામાં ભારે કરન્ટ હોવાથી ડોલ્ફિન સાથે જહાજને લાંગરવામાં સમય લાગ્યો હતો. ઘોઘા જહાજ આવી ગયા બાદ પણ સલામતીના કારણોસર મુસાફરોને જહાજમાં રખાયા હતા અને દરિયાઇ મોજા હળવા પડતા મુસાફરોને સલામત રીતે ઉતારાયા હતા. બાદમાં ઘોઘાથી ઉપડતી ફેરી રદ્દ કરવામાં આવી હતી.
ઘોઘા-હજીરા વચ્ચે ફરીવાર ફેરી સર્વિસ શરૂ થતાં મુસાફરોને પણ રાહત થઈ છે. અરબી સમુદ્ર અને ખંભાતના અખાતમાં સર્જાયેલા લોપ્રેશરને કારણે છેલ્લા બે દિવસ દરમિયાન દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો ભારે દરિયાઇ કરન્ટ વચ્ચે ઘોઘા રો-પેક્સ ડોલ્ફફિન, પોન્ટૂનની સામેના ભાગમાં ચેનલ માર્કિંગ માટે સ્થાપવામાં આવેલા બોયા પૈકીનું એક તૂટી અને કોળીયાકની સામેના દરિયા સુધી પહોંચી અને સ્થિર થયુ હતુ. આ બોયુ પરત લાવવા માટેની કામગીરી દિનદયાળ પોર્ટ ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવી છે.દરમિયાન શુક્રવારે 300 મુસાફરો સાથે ઘોઘાથી હજીરા માટેની ફેરી 3.30 કલાકે ઉપડી અને હજીરા નિયત સમયે પહોંચી હતી.આમ દરિયાઈ કરંટ હળવો પડતા ઘોઘાથી હજીરા માટેની ફેરી સર્વિસ પૂર્વવત થઈ છે. ઘોઘા-હજીરા ફેરી સર્વિસને દિવાળી બાદ સારોએવો ટ્રાફિક મળી રહ્યો છે. આ ફેરી સર્વિસથી ભાવનગરથી સુરત સાથેનો વ્યવહાર સરળ બન્યો છે.