જનરલ બિપિન રાવતના અંતિમ સંસ્કાર આજે થશે,આમ લોકો પણ દેશના પ્રથમ CDSને આપી શકશે અંતિમ શ્રદ્ધાંજલિ
- CDS બિપિન રાવતના આજે અંતિમ સંસ્કાર
- આમ લોકો પણ આપી શકશે અંતિમ શ્રદ્ધાંજલિ
- 10 જવાનોના મૃતદેહનો કરાશે ડીએનએ ટેસ્ટ
દિલ્હી:તમિલનાડુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતના અંતિમ સંસ્કાર આજે સાંજે 4 વાગ્યે કરવામાં આવશે. આ પહેલા તેમને અને તેમની પત્નીને સામાન્ય લોકો દિલ્હીમાં શ્રદ્ધાંજલિ આપી શકશે. જનરલ બિપિન રાવત અને તેમની પત્નીના પાર્થિવ દેહને સવારે 11 થી 12:30 વાગ્યા સુધી 3 કામરાજ માર્ગ સ્થિત તેમના નિવાસ સ્થાને રાખવામાં આવશે,જેથી સામાન્ય જનતા તેમના અંતિમ દર્શન કરી શકે.
આ પછી સેનાના જવાનો માટે બપોરે 12:30 થી 1:30 વચ્ચેનો સમય નક્કી કરવામાં આવશે, જેમાં તેઓ બિપિન રાવત અને તેમની પત્નીને શ્રદ્ધાંજલિ આપશે. નોંધનીય છે કે,Mi-17 V5 હેલિકોપ્ટર દુર્ઘટનામાં જનરલ રાવત, તેમની પત્ની અને બ્રિગેડિયર લિડર સિવાય સશસ્ત્ર દળના 10 જવાનો શહીદ થયા હતા.આ હેલિકોપ્ટર દુર્ઘટના છેલ્લા કેટલાક દાયકાઓમાં ભારતમાં બનેલી મોટી હવાઈ દુર્ઘટનાઓમાંની એક છે, જેમાં વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ મુસાફરી કરી રહ્યા હતા.
આ અકસ્માતનો ભોગ બનેલા 13 લોકોમાંથી 3 ની ઓળખ થઈ ગઈ છે જ્યારે અન્ય કર્મચારીઓની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે,જે મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે તેમને તેમના પરિવારજનોને સોંપવામાં આવશે. જ્યારે બાકીના લોકોની ઓળખ ન થાય ત્યાં સુધી તેમને સૈન્ય હોસ્પિટલમાં રાખવામાં આવશે.ઓળખની ઔપચારિકતા પૂર્ણ થયા પછી, નશ્વર દેહને તેમના સંબંધીઓને સન્માન સાથે સોંપવામાં આવશે.
હેલિકોપ્ટર દુર્ઘટના બાદ તમામ લોકોના મૃતદેહને ગુરુવારે દિલ્હીના પાલમ એરબેઝ પર લાવવામાં આવ્યા હતા, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, NSA અજીત ડોભાલ સહિત ત્રણેય સેના પ્રમુખો અને શહીદ જવાનોના પરિવારજનોએ શ્રદ્ધાંજલિ આપી હતી. તેમને આ પછી હવે શુક્રવારે સામાન્ય નાગરિકો CDS જનરલ બિપિન રાવતના અંતિમ દર્શન કરી શકશે.તો, સૂત્રોએ માહિતી આપી છે કે,નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની 15 દિવસમાં જાહેરાત થઈ શકે છે અને આર્મી ચીફ એમએમ નરવણેને આ પદ માટે સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવે છે.