નવેમ્બર મહિનો ઓટો ઉદ્યોગ માટે નિરાશનજનક રહ્યો, પેસેન્જર વ્હિકલનું વેચાણ 7 વર્ષના તળિયે
- નવેમ્બર મહિનામાં ઓટો ઉદ્યોગને લાગ્યું ગ્રહણ
- પેસેન્જર વ્હિકલનું વેચાણ 7 વર્ષના તળિયે
- દ્વિ-ચક્રીય વાહનોનું વેચાણ પણ 11 વર્ષને તળિયે
નવી દિલ્હી: દેશમાં અનલોક છતાં નવેમ્બર મહિનો વાહન ઉદ્યોગ માટે નિરાશાજનક રહ્યો હતો. નવેમ્બર મહિનામાં પેસેન્જર વ્હિકલના વેચાણને ગ્રહણ લાગ્યું હતું. તેને કારણે પેસેન્જર વ્હિકલનું વેચાણ 7 વર્ષ અને સાથે દ્વિ-ચક્રીય વાહનોનું વેચાણ પણ 11 વર્ષના તળિયે રહ્યું હતું. સેમિકન્ડક્ટરની અછતને કારણે ઉત્પાદન ઘટતા પણ વેચાણ ઘટ્યું છે.
સોસાયટી ઑફ ઇન્ડિયન ઑટોમોબાઇલ મેન્યુફેક્ચર્સ (સિયામ) અનુસાર નવેમ્બરમાં પેસેન્જર વ્હિકલનું વેચાણ 19 ટકા ઘટીને 2,15,626 એકમ રહ્યું છે. જેમાં કારનું વેચાણ 33 ટકા ઘટીને 1,00,906 યુનિટ નોંધાયું છે.
દ્વિ-ચક્રીય વાહનોના વેચાણની વાત કરીએ તો કુલ વેચાણ નવેમ્બરમાં 34 ટકા ઘટીને 10,50,616 યુનિટ થયુ છે જ્યારે વર્ષપૂર્વેના સમાન મહિનામાં 16,00,379 ટુ-વ્હિલર વેચાયા હતા. સ્કૂટરનું વેચાણ 39 ટકા ઘટીને 3,06,899 અને મોટર સાયકલનું વેચાણ 32 ટકા ઘટીને 6,99,949 યુનિટ રહ્યુ છે.
આ વખતે તો થ્રી-વ્હિલરનું પણ વેચાણ વર્ષ પૂર્વેના 24,071 યુનિટની સામે આ વખતે 7 ટકા ઘટીને 22,471 યુનિટ થયુ છે જે છેલ્લા 19 વર્ષનુ સૌથી ઓછું વેચાણ છે.