ઊંઝાના ધારાસભ્ય ડો.આશાબેન પટેલના સિદ્ધપુરમાં અંતિમ સંસ્કાર, પાર્થિવ દેહ પંચતત્વમાં વિલિન
અમદાવાદઃ ઉત્તરગુજરાતના ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલનું ડેન્ગ્યુની બીમારીમાં ઓર્ગન ફેલ્યોરના કારણે નિધન થયું હતું. આજે સવારે તેમના પાર્થિવ દેહની અંતિમ વિધી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા. આશાબેનનું નિધન થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સહિતના મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલી પાઠવી હતી.
ઊંઝાના ભાજપના ધારાસભ્ય ડો. આશાબેન પટેલ દિલ્હીથી પરત ફર્યા બાદ તેમને ડેંગ્યુ થયો હતો. પ્રાથમિક સારવાર સ્થાનિક હોસ્પિટલમાં કરવામાં આવી હતી. જો કે, તેમની તબીયત કથળતા તેમને વધુ સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન મલ્ટીઓર્ગન ફેલ્યોરના કારણે તેઓનું ગઈકાલે બપોરે દુ:ખદ અવસાન થયું હતુ. તેઓનો પાર્થીવ દેહ ઊંઝા માર્કેટીંગ યાર્ડ ખાતે અંતિમ દર્શન માટે રાખવામા આવ્યા હતો. જયાં તેમને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ શ્રધ્ધાસુમન અર્પણ કરી હતી.
આજે સોમવારે સવારે માર્કટીંગ યાર્ડથી તેમની અંતિમ યાત્રા યોજાઈ હતી. સિધ્ધપુરના મૂકિતધામ ખાતે તેમના પાર્થીવ દેહની અંતિમવિધી કરવામાં આવી હતી. તેઓની અંતિમ યાત્રામા રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, જગદીશભાઈ પંચાલ સહિતના મહાનુભાવો જોડાયા હતા. તેમજ મોટી સંખ્યામાં અંતિમ યાત્રામાં જોડાયેલા કાર્યકરોએ આખરી અલવિદા આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આશાબેન પટેલ કોંગ્રેસની ટિકીટ પરથી ભાજપના ઉમેદવારને હરાવીને વિજય થયાં હતા. જો કે, વર્ષ 2019માં કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયાં હતા અને ભાજપની ટીકીટ પર તેઓ ફરીવાર ચુંટાયા હતા. ડો.આશાબેન પટેલના નિધનથી ફરી એકવાર ગુજરાત વિધાનસભા ખંડિત થઈ છે.