દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનથી ભય ફેલાયો છે. ભારતમાં અત્યાર સુધીમાં આ નવા વેરિએન્ટના લગભગ 38 જેટલા કેસ નોંધાયાં છે. દરમિયાન ભારત સહિત દુનિયાના 63 જેટલા દેશોમાં ઓમિક્રોને પગપેસારો કર્યો હોવાનું WHOએ જણાવ્યું હતું. એટલું જ નહીં આ વેરિએન્ટની ચેપ લાગવી ગતિ જોઈને નિષ્ણાતો પણ ચિંતામાં મુકાયાં છે અને ટુંક સમયમાં જ ડેલ્ટા વેરિએન્ટને પણ પાછળ છોડી દેવી ભીવી વ્યક્ત કરી રહ્યાં છે.
ડબ્લ્યૂએચઓએ કહ્યું કે, નવો વેરિએન્ટ આટલી ઝડપથી કેવી રીતે ફેલાઈ રહ્યું છે તે સમજાતુ નથી. અત્યાર સુધીમાં દુનિયાના 63 કેસનોમાં આ વેરિએન્ટના કેસ સામે આવ્યાં છે. જો ઓમિક્રોન સંક્રમણ અંગેનો શરૂઆતનો ડેટા જોવામાં આવે તો તે કોવિડની રસીની અસરને ઘટાડી શકે છે. જો કે, ઓમિક્રોન ડેલ્ટા કરતાં ઓછો ખતરનાક છે. ઓમિક્રોન પ્રથમવાર દક્ષિણ આફ્રિકામાં મળી આવ્યો હતો. તેના પ્રારંભિક ડેટાના અભ્યાસ જાણવા મળે છે કે કોરોના રસી અમુક હદ સુધી સુરક્ષા આપવા માટે સક્ષમ છે, પરંતુ નવી અપડેટ પછી ઓમિક્રોન પર રસીની અસર વિશે ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ છે કે શું રસીની અસર નવા વેરિયન્ટ પર થશે કે નહીં?
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ઓમિક્રોન વેરિએન્ટના અત્યાર સુધીમાં 3 કેસ નોંધાયાં છે. આ ઉપરાંત ગુજરાતના પડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ ઓમિક્રોનના મોટી સંખ્યામાં કેસ સામે આવ્યાં છે. ભારતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 38 જેટલા કેસ નોંધાયાં છે. એટલું જ નહીં કોરોનાની રસી લેનાર વ્યક્તિઓને ઓમિક્રોનનો ચેપ લાગતો હોવાથી તજજ્ઞોમાં ચિંતા ફેલાઈ છે. ઓમિક્રોનના પગલે દુનિયાના અનેક દેશોએ બુસ્ટર ડોઝની પણ તૈયારીઓ શરૂ કરી લીધી છે.