રાજ્યના સિનિયર તબીબો માની જતાં હડતાળ મોકૂફ, સરકાર દ્વારા પ્રશ્નો ઉકેલવાની ખાતરી અપાઈ
અમદાવાદઃ રાજ્યમાં જુનિયર તબીબોની હડતાળ માંડ પુરી થઈ ત્યાં ફરીવાર સિનિયર તબીબોએ હડતાળનું એલાન આપતા સરકારે મનામણા શરૂ કર્યા હતા. આખરે સિનિયર તબીબો કહેવાય છે કે, માની ગયા હતા અને 10 હજાર સિનિયર તબીબોની હડતાળ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાના કેસમાં સામાન્ય વધારો થઈ રહ્યો છે. ત્યારે જ જુનિયર તબીબો પોતાના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે હડતાળ પર ઉતર્યા હતા. જોકે રાજ્યના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપીને જુનિયર તબીબોને મનાવી લીધા હતા, ત્યાં જ સિનિયર તબીબોએ પણ હડતાલ પર ઉતરવાનું એલાન કર્યું હતું. દરમિયાન આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ સમજાવીને સિનિયર તબીબોને મનાવી લીધા હતા. એટલે આગામી 26 ડિસેમ્બર સુધી સિનિયર તબીબોની હડતાળ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તબીબ એસોસિએશન અનુસાર સરકાર સાથેની બેઠક હકારાત્મક રહી છે. ચાર કલાકની બેઠક બાદ સકારાત્મક પરિણામ આવ્યાની માહિતી બહાર આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના આરોગ્ય વિભાગની અપીલ બાદ સિનિયર તબીબોની હડતાળ મોકુફ રાખવનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ મંગળવારથી સિનિયર તબીબો રાબેતા મુજબ સેવાઓ આપશે. કામનું ભારણ વધતાં તબીબી વિદ્યાર્થીઓ અકળાયા હતા. PGના પ્રવેશ શરૂ ન થતા રેસિડન્ટ ડોક્ટરો ફરી હડતાળ પર ઉતર્યા હતા. સરકારી મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષ પીજીની પ્રવેશ પ્રક્રિયા શરૂ ન થતા રેસિડેન્ટ ડોક્ટરો પર કામનું ભારણ વધી ગયું હોવાનો દાવો છે.