દાહોદમાં ધાર્મિક પ્રસંગના જમણવાર બાદ કેટલાક લોકોની તબિયત લથડીઃ ચારના મોત
- 15 વ્યક્તિઓને થઈ ફુડ પોઈઝનીંગની અસર
- 10 વ્યક્તિઓની હાલત ગંભીર
- અસરગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયાં
અમદાવાદઃ દાહોદના ભુલવણ ગામમાં ધાર્મિક પ્રસંગ્રે યોજાયેલા જમણવાર બાદ કેટલાક લોકોને ફુડપોઈઝનની અસર થતા નાસભાગ મચી ગઈ હતી. ફુડ પોઈઝનિંગની અસર થતા ચાર વ્યક્તિઓના મોત થયાં હોવાનું જાણવા મળે છે. જ્યારે 15 વ્યક્તિઓને અસર થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. જે પૈકી 10ની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દેવગઢ બારિયાના ભુલવણ ગામમાં એક ધાર્મિક પ્રસંગ યોજાયો હતો. જેમાં જમણવાર બાદ કેટલાક લોકોની તબીયત લથડી હતી. જેથી નાસભાગ મચી ગઈ હતી. ઝેરી ખોરાકની અસરને પગલે ચાર વ્યક્તિના મોત થયાં હતા. જ્યારે 15થી વધારે વ્યક્તિને અસર થતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. જે પૈકી 10ની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ તાત્કાલિક સ્થળ ઉપર દોડી ગઈ હતી. આ ઉપરાંત સ્થાનિક આગેવાનો પણ સ્થળ પર દોડી ગયા હતા. ગામમાં ફુડ પોઈઝનીંગની અસરને પગલે 4 વ્યક્તિઓના મોત થતા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.