રાજકોટઃ સૌરાષ્ટ્રભરમાં રવિ સીઝનની વાવણી લગભગ પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે બીજીબાજુ ખરીફ પાકની આવકથી માર્કેટ યાર્ડ્સ ઊભરાઈ રહ્યા છે. જેમાં મગફળી, કપાસ, ચણા અને ડુંગળીની આવકમાં ધ૨ખમ વધારો થયો છે. છેલ્લા 10 દિવસથી રાજકોટ અને બે દિવસથી ધોરાજી યાર્ડમાં ડુંગળીની મબલક આવક શરૂ થઈ ચૂકી છે. રાજકોટ યાર્ડમાં સોમવારે 10 હજાર બોરી ડુંગળીની આવક થઇ છે. જ્યારે ગોંડલમાં 55થી 60 હજાર બોરી ડુંગળીથી યાર્ડ ઊભરાયું છે. ધોરાજીમાં એક મણ ડુંગળીનો ભાવ 100થી 400 રૂપિયા અને ગોંડલમાં 100થી 500 રૂપિયા બોલાય રહ્યો છે. ખેડૂતોને ડુંગળીની ક્વોલિટી પ્રમાણે ભાવ મળી રહ્યા છે. ડુંગળીની ગુજરાત સિવાયના રાજ્યો અને બાંગ્લાદેશ સુધી મોકલવામાં કરવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ જૂના માર્કેટ યાર્ડ ખાતે 10 દિવસ પૂર્વે ડુંગળીની 2000થી 3000 ગુણીની આવક થતી હતી. જે હાલ વધીને આજે અંદાજે 10000 જેટલી ગુણીની આવક થઈ રહી છે. આ આવક આગામી દિવસોમાં વધશે તેવો અંદાજ આંકવામાં આવી રહ્યો છે. હાલ સૌરાષ્ટ્રના જામનગ૨, કાલાવડ, પડધરી, ગોંડલ અને ધોરાજી ખાતેથી ડુંગળીની આવક થઈ ૨હી છે. આ યાર્ડમાં ઠાલવવા ઉપરાંત ગુજરાતના અન્ય શહેરો તેમજ અન્ય રાજ્યોની સાથે સાથે બાંગ્લાદેશ સુધી પણ ડુંગળી મોકલવામાં આવી રહી છે. ધોરાજી માર્કેટ યાર્ડના વેપારીએ જણાવ્યું હતું કે, ધોરાજી યાર્ડમાં 20 જેટલા કાયમી વેપારીઓ છે કે જે ડુંગળીનો વેપાર કરી રહ્યા છે. લોકલ આવક શરૂ થતા ભાવમાં પણ અસ૨ જોવા મળી છે. હાલ યાર્ડમાં રૂપિયા 100થી 400 સુધીમાં એક મણ ડુંગળી વેચવામાં આવી રહી છે. જ્યારે છૂટક વેપારીઓ 30 રૂપિયા કિલોના ભાવે ડુંગળી વેચી ૨હ્યા છે.
યાર્ડના સત્તાધિસોએ જણાવ્યું હતું કે, દર વર્ષે આ સમયે 20,000 બોરીની આવક થતી હોય છે. પરંતુ આ વર્ષે કમોસમી વરસાદના કારણે ડુંગળીની આવક ઓછી જોવા મળી ૨હી છે. હાલ લગ્નની સિઝન હોવાથી ડુંગળીની માગ પણ વધુ હોવાથી આવક થયા બાદ તેનો નિકાલ પણ તુરંત થઈ જાય છે. આથી યાર્ડમાં ડુંગળીનો ભરાવો થતો નથી અને બગાડ પણ થતો નથી. સાથે રોજ નવી આવકની ડુંગળી બજા૨માં લોકોને મળી ૨હે છે.