- ભારતમાંથી વિદેશ જવાનો ક્રેઝ વધ્યો
- છેલ્લા 7 વર્ષમાં 8 લાખથી વધુ ભારતીયોએ નાગરિતા છોડી
- લોકસભામાં કેન્દ્ર સરકારે આપી જાણકારી
નવી દિલ્હી: ભારતમાંથી તાજેતરના સમયમાં વિદેશ જવાનો ક્રેઝ વધ્યો છે અને દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો વિદેશ માઇગ્રેટ કરે છે. છેલ્લા 7 વર્ષમાં જ 8.5 લાખથી વધારે ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી છે. કેન્દ્ર સરકારે લોકસભામાં જણાવ્યું હતું કે, છેલ્લા 7 વર્ષમાં 30 સપ્ટેમ્બર 2021 સુધીના સમયગાળા દરમિયાન 8,81,254 ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી છે.
અગાઉ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે, છેલ્લા 7 વર્ષમાં 20 સપ્ટેમ્બર સુધીમાં 6,08,162 ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી દીધી હતી. તેમાં 1,11,287 લોકોએ આ વર્ષે સપ્ટેમ્બર સુધી પોતાની ભારતીય નાગરિકતા છોડી દીધી હતી.
તેમને વધુમાં એવી માહિતી આપી હતી કે, 10,645 વિદેશી નાગરિકો, જેમાંથી મોટાભાગના પાકિસ્તાન (7,782) અને અફઘાનિસ્તાન (795)માંથી છે. 2016 અને 2020ની વચ્ચે ભારતીય નાગરિકતા માટે અરજી કરી છે. તેમને એ પણ કહ્યું કે હાલમાં 100 લાખથી વધારે ભારતીય વિદેશોમાં રહે છે. ગૃહ મંત્રાલય તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ 1.25 કરોડ ભારતીય નાગરિક વિદેશમાં રહે છે. જેમાં 37 લાખ લોકો ઓસીઆઈ એટલે કે ઓવરસીઝ સિટીજનશિપ ઓફ ઈન્ડિયા કાર્ડધારક છે.
અગાઉ ભારતની નાગરિકતા આપવા અંગેના ડેટા અનુસાર, છેલ્લા 5 વર્ષ દરમિયાન 4,177 લોકોને ભારતની નાગરિકતા આપવામાં આવી છે. MHAએ કહ્યું કે, નાગરિકતા (સુધારા) અધિનિયમ 2019 (CAA) 12 ડિસેમ્બર 2019ના રોજ સૂચિત કરવામાં આવ્યો હતો અને 10 જાન્યુઆરી 2020થી અમલમાં આવ્યો છે.