સોશિયલ મીડિયામાં સેનામાં ભરતીની અફવાએ યુવાનોને દોડાવ્યા, હજારોની સંખ્યામાં યુવાનો પહોંચ્યા નાસિક
- સોશિયલ મીડિયા પર સેનામાં ભરતીની અફવાનો મેસેજ વહેતો થયો
- આ બાદ નાસિક રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા
- બાદમાં માલુમ પડ્યું કે આ માત્ર એક બોગસ મેસેજ હતો
નવી દિલ્હી: સોશિયલ મીડિયાના વધતા ઉપયોગ સાથે તેનો દૂરુપયોગ પણ એટલો જ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર આજે અફવા ફેલાવતા અનેક મેસેજો પળભરમાં વહેતા થાય છે. સોશિયલ મીડિયામાં આવી જ એક અફવાથી યુવાનો હેરાન થયા હતા. સોશિયલ મીડિયામાં સેનામાં ભરતીનો એક મેસેજ વહેતો થયો હતો. આ અફવાને સાચી માની લેતા મોટી સંખ્યામાં યુવાનો નાસિક દોડી ગયા હતા. આ કારણે નાસિક રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં ભીડ ઉમટી હતી. આ બોગસ મેસેજમાં લખ્યું હતું કે, 16-18 ડિસેમ્બરના રોજ નાસિક ખાતેની ટીએ બટાલિયનમાં ભરતી કરવામાં આવશે. શહેરના એક ચોક પર આ મેસેજ લખવામાં આવ્યો હતો. આ બાદ મોટી સંખ્યામાં યુવાનો નાસિક પહોંચ્યા હતા પરંતુ બાદમાં આ મેસેજ અફવા હોવાનું માલુમ પડ્યું હતું.
નાસિક રોડ પોલીસ સ્ટેશન ઇન્સપેક્ટર અનુસાર, બહારથી આવેલા લોકો દ્વારા જાણવા મળ્યું કે, 16-18 ડિસેમ્બર દરમિયાન સેનાની ટીએ બટાલિયનમાં ભરતી છે. કોઇએ સોશિયલ મીડિયામાં અફવા ફેલાવી છે. અફવાની વાત ખબર પડ્યા બાદ મોટા ભાગના યુવાનો ખૂબ જ નિરાશ થયા હતા.
આ મેસેજ મરાઠીમાં લખેલો હતો ત્યારે હવે અત્યારે પોલીસ આ બોગસ મેસેજ ફેલાવનારને શોધવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે યુવાનોને ભ્રામક અને બોગસ મેસેજ પર વિશ્વાસ ના કરવા અપીલ કરી હતી.
નોંધનીય છે કે, પોલીસે તમામ યુવકોને સાચી માહિતી આપીને ઘરે મોકલી દીધા છે. યુવાનોના કહેવા પ્રમાણે ત્યાં પહોંચ્યા બાદ તેઓ ખૂબ નિરાશ થયા હતા.