મુંબઈઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ભય ફેલાયો છે. દરમિયાન મહારાષ્ટ્રના નવી મુંબઈના ઘંસોલીની એક શાળામાં એક-બે નહીં પરંતુ 16 જેટલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત હોવાનું સામે આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. આ તમામ બાળકોને નજીકના કોવિડ સેન્ટરમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં છે. સ્કૂલમાં અભ્યાસ કરતા ધો-8થી 11ના વિદ્યાર્થીઓ સંક્રમિત થયા હોવાનું જાણવા મળે છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમિત થયેલા વિદ્યાર્થીઓ પૈકી એકના પિતા તાજેતરમાં જ કતારથી પરત ફર્યાં હતા. તેઓ ઘણસોલીના ગોથીવલી વિસ્તારમાં રહે છે અને તેમનો કોવિડ-19 રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ પરિવારની તપાસ કરવામાં આવી ત્યારે સ્કૂલમાં અભ્યાસ કરતો તેમનો પુત્ર સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. જેશી શૈક્ષણિક સંસ્થાના તમામ વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં 16 વિદ્યાર્થીઓને ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે. ત્રણ દિવસમાં અત્યાર સુધીમાં શાળાના 811 વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવી છે. કોરોનાથી સંક્રમિત થયેલા વિદ્યાર્થીઓને વાશીના કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમના પરિવારજનોની પણ તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. એક જ સ્કૂલના 16 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત હોવાનું સામે આવતા શિક્ષણ જગતમાં પણ ખળભળાટ મચી ગયો છે.
દરમિયાન યુપીના ગાઝિયાબાદમાં આજે ઓમિક્રોનથી સંક્રમિત બે દર્દીઓની પુષ્ટિ થઈ છે, જે પછી દેશમાં ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા વધીને 113 થઈ ગઈ છે. ગાઝિયાબાદમાં એક વૃદ્ધ દંપતીમાં ઓમિક્રોનની પુષ્ટિ થઈ છે. 3 ડિસેમ્બરે, કપલ મુંબઈથી જયપુર થઈને કારમાં ગાઝિયાબાદ પરત ફર્યું હતું.
(PHOTO-FILE)