કોરોના સંકટઃ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં સ્કૂલોના વિદ્યાર્થીઓ થઈ રહ્યાં છે સંક્રમિત
અમદાવાદઃ ગુજરાતમાં દિવાળી બાદ સ્કૂલોમાં સરકારની કોરોના ગાઈડલાઈન અનુસાર વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. દરમિયાન રાજ્યમાં ફરીએક વાર કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં બાળકોને ગંભીર અસર થઈ ન હતી. પરંતુ હાલ કોરોનાની ઝપેટમાં સ્કૂલના વિદ્યાર્થીઓ પણ આવી રહ્યાં છે. ગુજરાતની હેરિટેજ સીટી અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા એમ આ ચારેય મહાનગરમાં લગભગ 18 જેટલા વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે. જેથી વાલીઓમાં પણ ફફડાટ ફેલાયો છે અને ફરીથી સ્કૂલોમાં ફરજિયાત ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરવાની માંગણી કરી રહ્યાં છે. આ ઉપરાંત રાજકોટ અને વડોદરામાં બે શિક્ષકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતની શાળાઓમાં 9, અમદાવાદની બે શાળાઓમાં 4, રાજકોટની શાળાઓમાં 3, અને વડોદરાની શાળાઓમાં 2 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત આવ્યા છે. સ્કૂલમાં બાળક કોરોના સંક્રમિત મળી આવ્યા બાદ નિયમ અનુસાર તેને બંધ પણ કરવામાં આવી છે પરંતુ હવે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા વાલીઓમાં ભય ફેલાયો છે. સ્કૂલોમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા શિક્ષકો પણ કોરોનાથી બચી શક્યા નથી. રાજકોટ અને વડોદરામાં એક-એક શિક્ષક પણ સંક્રમિત થયા હોવાનું જાણવા મળે છે. હાલ આ તમામ વિદ્યાર્થીઓ અને બંને શિક્ષકોની સારવાર ચાલી રહી છે. એક બાજુ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો ઉપર ઓમિક્રોન વેરિએન્ટનો ખતરો તોડાઈ રહ્યાં છે. ત્યારે હવે સ્કૂલના વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમિત થયા શિક્ષણ જગતમાં પણ ખળભળાટ મચી ગયો છે.