ઇઝરાયલમાં ઓમિક્રોન વેરિએન્ટની વધતી દહેશત, વડાપ્રધાને બાળકોને વેક્સિન લેવા અપીલ કરી
- ઇઝરાયેલમાં કોરોના વાયરસની 5મી લહેર શરૂ
- ઓમિક્રોનથી સતર્ક રહેવા નાગરિકોને અપીલ
- બાળકોને રસી અપાવવા વડાપ્રધાન નફ્તાલી બેનેટે કરી અપીલ
નવી દિલ્હી: ઓમિક્રોન વેરિએન્ટની ઝપેટમાં હવે ઇઝરાયલ પણ આવી ચૂક્યું છે અને ત્યાં પણ ઓમિક્રોન વેરિએન્ટનો પ્રકોપ સતત વધી રહ્યો છે. તેની સામે રક્ષણ માટે ઇઝરાયેલના વડાપ્રધાન નફ્તાલી બેનેટે દેશવાસીઓને તેમના બાળકોને વેક્સિન આપવા માટે વિનંતી કરી છે. ઇઝરાયેલ હવે અનેક મુસાફરી પ્રતિબંધો લાગૂ કરવા માટે પણ તૈયાર છે.
ઇઝરાયલમાં જો કે ઓમિક્રોનના એટલા કેસ નથી જેનો શ્રેય સરકારે લગાડેલા મુસાફરી પ્રતિબંધો છો જો કે બીજી તરફ પીએમ નફ્તાલી બેનેટે ચેતવણી આપી છે કે કેસ વધતા વાર નહીં લાગે. પાંચમી લહેર શરૂ થઇ ગઇ છે. માતા-પિતા પોતાના બાળકોને વેક્સિન આપે તે ખૂબ જ જરૂરી છે.
બાળકોના રસીકરણ પર ભાર આપતા ઇઝરાયેલના વડાપ્રધાને વધુમાં કહ્યું કે, માતાપિતાની જવાબદારી છે કે બાળકોને વેક્સિન અપાવે. તે સુરક્ષિત છે. જે માતા-પિતાએ ત્રણેય ડોઝ લીધા છે તેઓએ તેમના બાળકોને પણ સુરક્ષિત રાખવાની આવશ્યકતા છે. ઇઝરાયેલમાં અત્યારસુધીમાં 4.1 મિલિયનથી વધુ લોકોએ ફાઇઝર કે પછી બાયોટેક વેક્સિનનો ત્રીજો ડોઝ લીધો છે. ઇઝરાયેલમાં અત્યારસુધી ઓમિક્રોન વેરિએન્ટના 134 કેસ નોંધાયા છે.
નોંધનીય છે કે, અન્ય દેશોના નાગરિકોને ઇઝરાયેલમાં પ્રવેશવાની મંજૂરી નથી અને વિદેશથી આવતા ઇઝરાઇલીઓએ ક્વોરન્ટાઈનમાં રહેવું જરૂરી છે. ઈઝરાયેલે કોરોના વાયરસ (Coronavirus in Israel) ના ઉચ્ચ કેસ ધરાવતા દેશોને ‘રેડ’ શ્રેણીમાં રાખ્યા છે અને ઈઝરાયેલના લોકોને આ દેશોની મુલાકાત લેવાની મનાઈ છે.