- ઓમિક્રોનના વધતા ખતરા વચ્ચે ચૂંટણીઓ માટેની રાજકીય રેલીઓ પર રોક લગાવવા માંગ
- આ માટે સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી અરજી
- અલ્હાબાદ હાઇકોર્ટે પણ ચૂંટણી આયોગને રેલીઓ પર રોક લગાવવા કહ્યું
નવી દિલ્હી: આગામી વર્ષે એટલે કે વર્ષ 2022માં દેશના 5 રાજ્યોમાં ચૂંટણી થવા જઇ રહી છે અને ચૂંટણી સમયે રાજકીય રેલીઓ યોજાવાની છે અને તેના પર રોક લગાવવાનો મામલો હવે સુપ્રીમ સુધી પહોંચ્યો છે. અરજદારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આ રાજકીય રેલીઓ પર રોક લગાવવાની અપીલ કરી છે.
તમામ રાજકીય પાર્ટીઓ ડિજીટલ રેલી કરે તે માટે ચૂંટણી આયોગને આ નિર્દેશ આપવાની સુપ્રીમ કોર્ટમાં માંગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં જે અરજી દાખલ કરાયેલી છે તેમાં કહેવામાં આવ્યું છે કે, ચૂંટણી આયોગની રાજકીય રેલીઓને લઇને જે આદેશ આપવામાં આવ્યો છે તેનું પાલન થઇ રહ્યું નથી.
દેશના 16 કરતાં વધુ રાજ્યોમાં ઓમિક્રોને પગપેસારો કર્યો છે અને કેસની સંખ્યા 200ને પાર થઇ ચૂકી છે. મહારષ્ટ્રમાં અને દિલ્હીમાં સૌથી વધુ કેસ જોવા મળી રહ્યા છે. કેટલાક રાજ્યોમાં હવે નિયંત્રણો લાગૂ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ વચ્ચે આગામી વર્ષે યૂપી સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવા જઇ રહી છે. અલ્હાબાદ હાઇકોર્ટે પણ ચૂંટણી આયોગને યૂપી ચૂંટણી ટાળવા અને રેલીઓ પર રોક લગાવવા માટે અપીલ કરી છે.
ઓમિક્રોનની વધતી દહેશતને ધ્યાનમાં રાખીને અલ્હાબાદ હાઇકોર્ટે વિનંતી કરી છે કે, ચૂંટણી રેલીઓ, સભાઓ જેમાં ભીડ એકત્ર થાય, તેના પર તાત્કાલિક રીતે રોક લગાવે. જો શક્ય હોય તો ફેબ્રુઆરીમાં થનારી ચૂંટણીને પણ એક કે બે મહિના માટે ટાળી દેવામાં આવે.