જો તમારામાં આ લક્ષણ દેખાય તો ચેતી જજો,ઓમિક્રોનથી સંક્રમિત હોઈ શકો છો
- ઓમિક્રોનથી સંક્રમિત તમે તો નથીને
- આ લક્ષણ દેખાય તો ચેતી જજો
- અત્યારે પોતાનું ધ્યાન રાખવું જરૂરી
દિલ્હી: ઓમિક્રોનથી સંક્રમિત લોકોની સંખ્યાનો આંકડો સતત વધી રહ્યો છે. ભારતમાં અત્યારે ભલે નાના પ્રમાણમાં તે આંકડો હોય પરંતુ કેટલાક દેશો એવા છે કે જ્યાં ઓમિક્રોન વેરિયન્ટના કારણે હાહાકાર મચી ગયો છે. આવામાં વૈજ્ઞાનિક તથા જાણકાર ડો. એન્જેલિક કોએત્ઝીએ કેટલીક મહત્વની જાણકારી આપી છે.
એન્જેલિક કોએત્ઝીએ જણાવ્યું કે, વાયરસ દરેક જગ્યાએ છે અને માત્ર બજારો બંધ કરવાથી કામ નહીં ચાલે. તેમણે ઓમિક્રોન વેરિયન્ટ વિશે સૌથી મહત્વના અને સૌથી વધુ પૂછવામાં આવતા સવાલોના જવાબ આપ્યા હતા.
ડો. એન્જેલિકે જણાવ્યું કે, વાઈરલ સંક્રમણને નબળું સમજવું ન જોઇએ. જો તમારું વજન વધુ હોય અને તમે કોરાનાની વેક્સિન ન લીધી હોય તો ઓમિક્રોનનો ખતરો તમને સૌથી વધુ રહે છે. ઓમિક્રોનની શરૂઆત સ્નાયુઓના દુખાવા સાથે થાય છે. તેના શરૂઆતી લક્ષણ ખાંસી અને તાવ નથી. પીઠના નીચેના ભાગમાં દુખાવો તેનાં નવાં લક્ષણો પૈકી એક છે, સ્નાયુઓમાં દુખાવો થવો તેનું મુખ્ય લક્ષણ છે.
આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો શરીરમાં દુખાવો, થાક, માથામાં દુખાવો વગેરે સામેલ છે. જો સાત લોકોના પરિવારમાં એક વ્યક્તિ ઓમિક્રોન પોઝિટિવ થાય છે તો માની લો કે તે અન્ય લોકોને પણ સંક્રમિત કરશે જ. હળવાં લક્ષણોવાળા દર્દીઓને પણ સારવારની જરૂરિયાત હોય છે, પછી ભલે તે હોસ્પિટલમાં દાખલ ન થાય. તેમણે કહ્યું કે, વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે, આઇસીયુમાં દાખલ મોટા ભાગના સંક્રમિત દર્દીઓએ કોરોનાની વેક્સિન લીધી નથી.