અમદાવાદઃ ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. દર વર્ષે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં મકરસક્રાંતિ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. તા. 14 અને 15મી જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણ અને વાસીઉત્તરાયણના દિવસે આકાશ રંગબેરંગી પતંગની છવાઈ જાય છે. જો કે, આ વર્ષે ઉત્તરાયણ પર્વમાં પતંગરસિયાઓના ખિસ્સા હલકા કરશે. પતંગ અને દોરીના ભાવમાં 30થી 50 ટકા સુધીનો વધારો થયો છે.
ઉત્તરાયણને ગણતરીના દિવસો જ બાકી રહ્યાં હોવાથી કેટલાક પતંગ રસિયાઓ વહેલા પતંગ અને દોરીની ખરીદી કરવાનું પસંદ કરે છે. પરંતુ ચાલુ વર્ષે પતંગ-દોરીને પણ મોંઘવારીનું ગ્રહણ લાગ્યું હોવાનું વેપારીઓ માની રહ્યાં છે. કાગળ, સ્ટીક સહિતના મટીરીયલના ભાવમાં વધારો થયો છે. જેના કારણે પતંગના ભાવમાં વધારો થયો છે. આ ઉપરાંત ટેક્સમાં વધારો થતા દોરીના ભાવમાં વધારો થયાનું મનાઈ રહ્યું છે. પતંગ-દોરીના ભાવમાં 30થી 50 ટકા સુધીના વધારેને પગલે વેપારીઓએ પણ સ્ટોક ઓછો કર્યો છે. આ ઉપરાંત દોરી રંગતા શ્રમજીવીઓએ પણ દોરી રંગવાના ભાવમાં વધારો કર્યો છે. બીજી તરફ દુકાનોમાં હજુ ઘરાકી નહીં હોવાથી વેપારીઓ પણ ચિંતામાં મુકાયાં છે. શહેરના સરસપુરમાં વર્ષોથી પતંગ દોરીનો વેપાર કરતા એક વેપારીએ જણાવ્યું હતું કે, ઇતિહાસમાં ન વધ્યો હોય તેવો ભાવ વધારો આ વર્ષે ઉત્તરાયણ પર્વ પર પતંગ દોરીના ભાવમાં નોંધાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને કારણે અનેક પરિવારો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. બીજી તરફ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં થયેલા વધારાને પગલે જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થતા લોકોની મુશ્કેલી વધી છે.
(PHOTO-FILE)