અમદાવાદઃ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને AMCનું આગોતરૂ આયોજન
અમદાવાદ: હેરિટેજ સિટી અમદાવાદમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થતા એએમસી સફાળુ જાગ્યું છે. તેમજ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં જરૂરી બેડ તૈયાર કરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત 35000 જેટલા રેમડીસીવીર ઈન્જેક્શનનો જથ્થો તથા LG હોસ્પિટલમાં 6000 લિકવિડ ઓક્સિજનના બે ટેન્ક તૈયાર કરવામાં આવ્યા છે. જેથી કોરોનાની બીજી લહેર વખતે ઉભી થયેલી પરિસ્થિતિનું પુનઃ નિર્માણ ના થાય. આમ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને મનપા દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોની બેઠક યોજાઈ હતી. તેમા કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા છે. જે અનુસાર SVP હોસ્પિટલમાં 300 ICU અને 700 ઓક્સિજન બેડ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત હોસ્પિટલમાં 20 હજાર લીટર ઓક્સિજનનો જથ્થો રાખવામાં આવશે. LG હોસ્પિટલમાં 40 બેડ ICU અને 700 ઓક્સિજન બેડ તૈયાર રાખવામાં આવશે. જ્યારે શારદાબેનમાં 70 ICU બેડ અને 100 ઓક્સિજન બેડ તૈયાર રાખવામાં આવશે. આ ઉપરાંત 10 હજાર જેટલી આરટીપીસીઆર કીટ અને 3 લાખ જેટલી રેપીડકીટ પણ તૈયાર રાખવાનો નિર્ણય લેવાયો છે.
મનપા દ્વારા કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે સર્વે અને ટેસ્ટીંગ વધાર્યું છે. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારમાં કોરોના ટેસ્ટીંગ ડોમ પણ ઉભા કરવામાં આવ્યાં છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને અમદાવાદ સહિત આઠ શહેરોને તમામ એન્ટ્રી પોઈન્ટ ઉપર બહારથી આવતા લોકોના ટેસ્ટ કરવા માટે તાકીદ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.