તો આગામી વર્ષે સમયસર જ યોજાઇ શકે છે ચૂંટણી, જાન્યુઆરીમાં ચૂંટણીપંચની બેઠકમાં લેવાશે નિર્ણય
- આગામી વર્ષે સમયસર જ યોજાઇ શકે છે ચૂંટણી
- આગામી મહિને ચૂંટણી પંચ અને સ્વાસ્થ્ય વિભાગ વચ્ચે થશે બેઠક
- આ બેઠકમાં ચૂંટણીના આયોજનને લઇને લેવાશે નિર્ણય
નવી દિલ્હી: દેશમાં ઓમિક્રોન એક તરફ ફૂંફાડા મારી રહ્યો છે. કેસ સતત વધી રહ્યા છે ત્યારે બીજી તરફ આગામી વર્ષે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પણ ભણકારા વાગી રહ્યા છે. મૂખ્ય ચૂંટણી કમિશનરે ખાતરી આપી છે કે આ સમયસર હાથ ધરવામાં આવશે.
ઓમિક્રોનના વધતા કહેર વચ્ચે આગામી વર્ષે જાન્યુઆરીમાં ચૂંટણી પંચ અને સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ વચ્ચે એક બેઠક યોજાશે, જેમાં ચૂંટણી યોજવી કે તેને થોડા દિવસો માટે મોકૂફ રાખવી તેના અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાશે. ચૂંટણી પંચ સાથે બેઠક બાદ સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, જે રાજ્યોમાં ચૂંટણી થવાની છે ત્યાં ઓમિક્રોનના કેસ ઘણા ઓછા છે. આવી સ્થિતિમાં આપણે કહી શકીએ કે ચૂંટણી સમયસર થશે.
આરોગ્ય સચિવે ચૂંટણી પંચને ખાતરી આપી છે કે જે રાજ્યોમાં કોવિડ રસીકરણની ગતિ થોડી ઓછી છે, ત્યાં તેને વધારવામાં આવશે અને ઓમિક્રોનને રોકવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે. સ્વાસ્થ્ય સચિવની તમામ વાતો સાંભળ્યા બાદ ચૂંટણી પંચે તેમની ટીમને જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં વિગતવાર રિપોર્ટ સાથે આવવા કહ્યું છે.
આગામી 28 ડિસેમ્બરથી ભારતીય ચૂંટણી પંચની ટીમ ત્રણ દિવસીય પ્રવાસ પર ઉત્તર પ્રદેશ પહોંચી રહી છે. અહીં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને તમામ 75 જીલ્લા મેજીસ્ટ્રેટ સાથે બેઠક યોજાશે. ભારતીય ચૂંટણી પંચ આ બેઠક દ્વારા ચૂંટણી સંબંધિત ફીડબેક લેશે. આ ફીડબેકના આધારે ચૂંટણી યોજવા અંગે નિર્ણય લેવા તેવી શક્યતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઓમિક્રોનના ખતરાને જોતા અલ્હાબાદ હાઇકોર્ટે થોડાક સમય પહેલા ચૂંટણી પંચ અને PMOને ચૂંટણી સ્થગિત કરવાનો અનુરોધ કર્યો હતો. ભૂષણે ચૂંટણી પંચને એવી જાણકારી આપી હતી કે, ઉત્તરાખંડ તેમજ ગોવામાં 100 ટકા લોકને કોવિડ વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.