ઓમિક્રોનના વધતા પ્રકોપ વચ્ચે મંત્રીપરિષદ સાથે સાંજે 4 વાગ્યે પીએમ મોદી કરશે ખાસ બેઠક
- પીએમ મોદી આજે કરશે બેઠક
- મંત્રીપરિષદ સાથેની બેઠકમાં થઈ શકે છે મહત્વની ચર્ચા
દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે આ સાથે જ કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મંત્રી પરિષદ સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે. આ બેઠક સાંજે 4 વાગે મળે તેવી શક્યતા છે. આ મામલે મળતી માહિતી મુજબ આ બેઠકમાં તમામ મંત્રીઓ હાજરી આપશે. આ સાથે જ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ સમય દરમિયાન પીએમ આગામી વર્ષમાં ઉત્તર પ્રદેશ અને પંજાબમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ અંગે પણ ચર્ચા કરશે અને ઓમિક્રોન સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરશે.
આ પહેલા પણ પીએમ મોદીએ ગયા ગુરુવારે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. આ બેઠકમાં પીએમ મોદીએ અધિકારીઓને વધુ સતર્ક રહેવાની સલાહ આપી હતી. પીએમે અધિકારીઓને સૂચના આપી હતી કે ડેલ્ટા કરતા ત્રણ ગણા વધુ સંક્મણ ધરાવતા ઓમિક્રોન સાથે વ્યવહાર કરવા માટે યોગ્ય પગલાં લેવામાં આવે અને જિલ્લા અને તાલુકા સ્તરે પણ તકેદારી રાખવામાં આવે.ત્યારે હવે આજની આ બેઠક પણ વધતા જતા કોરોનાના કેસ વચ્ચે મહત્વની ગણવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે ઓમિક્રોન વેરિએન્ટ દેશમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેને લઈને સ્થિતિ એવી છે કે આ સંક્રમણને જોતા જ 21 રાજ્યો પોતાની ઝપેટમાં આવી ગયા છે. હાલમાં, દેશમાં 650 થી વધુ લોકો ઓમિક્રોનથી સંક્રમિત છે. તે જ સમયે, દિલ્હી અને મહારાષ્ટ્રમાં ચેપ સૌથી વધુ છે.