ઝારખંડ બાદ અન્ય રાજ્યોમાં પણ થઈ શકે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો
- ઝારખંડમાં લોકોને મળશે રાહત
- પેટ્રોલ-ડીઝલ માટે વધારે કિંમત નહી આપવી પડે
- બસ લોકોએ આ કરવાનું રહેશે
મુંબઈ: સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત લોકોને હેરાન પરેશાન કરી રહી છે. આવામાં ઝારખંડની સરકાર દ્વારા મહત્વનું પગલું લેવામાં આવ્યું છે જે અન્ય રાજ્યમાં પણ લેવામાં આવી શકે તેમ છે. જાણકારી અનુસાર ઝારખંડની સરકાર દ્વારા લોકોને પેટ્રોલ-ડીઝલની કિંમતમાં રાહત મળે તે માટે નવો રસ્તો શોધવામાં આવ્યો છે.
રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેને જાહેરાત કરી છે કે,આ સસ્તા પેટ્રોલ અને ડીઝલનો લાભ ફક્ત બીપીએલ કાર્ડધારકોને જ મળશે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને જણાવ્યું કે, 26મી જાન્યુઆરીથી ઝારખંડમાં બીપીએલ કાર્ડધારકોને પેટ્રોલ અને ડીઝલ 25 રૂપિયા સસ્તું મળશે.
ઉલ્લેખનીય છે કે,રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્રમાં પણ લોકો પેટ્રોલ ડીઝલની મોટી કિંમતથી હેરાન પરેશાન છે અને જો તે રાજ્યોમાં પણ આ પ્રકારની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવે તો ત્યાંના લોકોને પણ રાહત મળી શકે છે. જો કે આ પ્રકારનો નિર્ણય લીધા બાદ સરકારી તીજોરી પર કેટલાનો બોજ આવશે તેના વિશે પણ કોઈ જાણકારી બહાર આવી નથી.
ઝારખંડની સરખામણીમાં મહારાષ્ટ્ર, અને ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનો વપરાશ વધારે છે તેવું જાણકારો બતાવી રહ્યા છે પરંતુ તે વાતનો નક્કી છે કે ઝારખંડમાં સરકાર દ્વારા આ પ્રકારે નિર્ણય લેવામાં આવતા અન્ય વસ્તુઓના ભાવ પર અસર પડી શકે છે અથવા કેટલીક ચીજવસ્તુઓના ભાવ વધી શકે છે.