ગુજરાત યુનિ. ટેબલ ટેનિસની એન્ટ્રી મોકલવાનું ભૂલી ગઈ, વિદ્યાર્થીઓ સ્પર્ધામાંથી બાકાત થઈ ગયા
અમદાવાદ : રાજ્યની સૌથી મોટી ગણાતી ગુજરાત યુનિવર્સિટી છબરડાંઓ અને બેદરકારીમાં પણ પંકાયેલી છે. યુનિના સત્તાધીશો અને પદાધિકારીઓ પોતાનુ કામ સમયસર કરતા નથી. જેને કારણે જેને લાભ મળવો જોઈએ તે વંચિત રહી જાય છે. ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ્સ વિભાગની ભારે બેદરકારી પ્રકાશમાં આવી છે. સ્પોર્ટ્સ વિભાગે નિર્ધારિત સમયમાં ટેબલ ટેનિસ સ્પર્ધા માટે એન્ટ્રી ના મોકલતા ટીમ સ્પર્ધામાથી જ બાકાત થઈ ગઈ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિ. સાથે સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ જેમને ટેબલ ટેનિસમાં રસ હોય તેમની ટીમનું રજિસ્ટ્રેશન કરાવવાનું હતું. રાજસ્થાન ખાતે વેસ્ટ ઝોનની સ્પર્ધા માટે ટીમની એન્ટ્રી મોકલવાની હતી. એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીએ એન્ટ્રી મોકલવા 30 નવેમ્બરે જાહેરાત કરી હતી અને 17 ડિસેમ્બર સુધીમાં એન્ટ્રી મોકવાની હતી. પરંતુ યુનિવર્સિટીના સ્પોર્ટ્સ વિભાગના સત્તાધીશો એન્ટ્રી મોકલવાની તારીખ જ ભૂલી ગયા હતા. જેથી પસંદ કરાયેલી ટીમની એન્ટ્રી કરી શકાય નથી. આમ, સ્પોર્ટ્સ વિભાગની બેદરકારીને કારણે વિદ્યાર્થીઓએ રમવાની તક ગુમાવી છે. ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ્સ વિભાગના ડાયરેક્ટર થોડા સમય પહેલા નિવૃત્ત થયા બાદ તેમના સ્થાને ઇન્ચાર્જ ડાયરેક્ટરની નિમણૂંક કરાઈ છે. એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટી દ્વારા ચાર ઝોનની સ્પર્ધા બાદ વિજેતાઓને નેશનલ લેવલે રમવાની તક આપવામાં આવે છે. ગુજરાત યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ વિભાગમાં જવાબદાર વ્યક્તિના અભાવે વિદ્યાર્થીઓએ સર્ટિફિકેટ મેળવવાની પણ તક ગુમાવી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રમત-ગમતને પ્રોત્સાહન આપવા માટે યુજીસી દ્વારા લોખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પણ કહેવાય છે કે, યુનિ. સત્તાધિશોની બેદરકારીને કારણે ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ કરવામાં આવતો નથી. યુનિ.ના સત્તાધિશોને સ્પોર્ટ્સ ક્ષેત્રે ઉદાસિન હોવાનું કહેવાય છે.