રાજકોટઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મંગળવારે સૌરાષ્ટ્રભરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના છાંટણા પણ પડ્યો હતા. માવઠાથી જીરૂ સહિતના રવિ પાકને નુકશાન થયાનું ખેડુતો કહી રહ્યા છે. જોકે રાજકોટ તેમજ જામનગર યાર્ડોમાં નહીવત નુકસાનીની વિગતો મળી રહી છે. બંને યાર્ડોમાં કાર્યવાહકોએ અગાઉથી ખેડૂતોને ચેતવી દીધા હોવાથી ખેત જણસીઓને આંશિક નુકશાન થયાના અહેવાલો મળ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના યાર્ડના મેદાનમાં મગફળીનો મોટો જથ્થો પડયો હતો અને મોટી નુકસાનીની આશંકા ઉભી થઇ હતી પણ સંબંધિતો અને ખેડૂતોની જાગૃતિ વચ્ચે માલને ઢાંકી દઈને સુરક્ષિત કરી દેવાતા ગુણી પલળવાની નહીવત નુકશાની જોવા મળી હતી. તેવી જ રીતે જામનગર જિલ્લામાં પણ 6 માર્કેટ યાર્ડોમાં ખુલ્લામાં પડેલા માલને નહીવત નુકશાન થયાના અહેવાલો મળ્યા છે. જાણકારોએ કહ્યું કે હાપા યાર્ડમાં ખુલ્લામાં પડેલી 2500 જેટલી ગુણી આંશિક રીતે પલળી હતી પણ તેનાથી ખેડૂતોને કોઈ નુકશાન થવા પામ્યું નથી.
સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ભરશિયાળે અષાઢી માહોલ જામ્યો હતો. ધીમે ધીમે ઠંડીની મૌસમ જામી રહી હતી ત્યાં જ હવામાન વિભાગની આગાહી અનુસાર સાઇકલોનિક સકર્યુંલેશનની અસરને પગલે કમોસમી વરસાદ પડયો હતો. એકબાજુ ઠંડીના કારણે લોકોએ સ્વેટર પહેરવાની શરુઆત કરી હતી ત્યાં જ વરસાદ આવતા રેઇનકોટ પહેરવો પડે તેવી સ્થિતિ ઉભી થઇ હતી.. અચાનક વાતારણમાં આવેલા પલટાના કારણે કમોસમી વરસાદ વરસતા ધાણા, જીરુ, ડુંગળી સહિતના પાકને નુકસાની જવાની ભીતિ સેવાઇ રહી છે. મંગળવારે દિવસભરમાં લોકોને ત્રણેય ઋતુનો અનુભવ થયો હતો કારણ કે સવારમાં વરસાદ સાથે ફૂલ ગુલાબી ઠંડી અને બપોર પછી અમુક વિસ્તારમાં સૂર્યનારાયણના દર્શન થયા હતા.