અમદાવાદઃ વર્ષ 2021ની વિદાય અને નવા વર્ષ 2022ના આગમનની તૈયારીઓ થઈ રહી છે. ત્યારે 2022ના નવા વર્ષના આરંભથી ક્વોડરેન્ટીડસ ઉલ્કા વર્ષનો અવકાશી નજારો જોવા મળશે. તા.3 જાન્યુઆરીના રોજ ભારત સહિત કેટલાક દેશોમાં આ ઉલ્કા વર્ષા સ્પષ્ટપણે જોવા મળશે. ખગોળ વૈજ્ઞાનિકોએ આ માટે દરિયાઇ વિસ્તાર તથા પર્વતીય વિસ્તારોમાં પડાવ નાખવાની તૈયારી આરંભી દીધી છે. તા.1થી 4 જાન્યુઆરી દરમિયાન , ચાર દિવસ સુધી આકાશમાં ક્વોડરેન્ટીડસ ઉલ્કા વર્ષા પડતી જોવા મળશે. ખાસ કરીને તા.3 અને 4 જાન્યુઆરીએ સ્વચ્છ આકાશમાં કલાકના 15થી લઇને 100 જેટલી ઉલ્કા ખરતી જોવા મળશે.
ખગોળ વિજ્ઞાનીઓના કહેવા મુજબ આજ સુધીમાં પૃથ્વી ઉપર ખરેલી ઉલ્કાઓનો એક ઇંચનો થર થઇ ગયાનો અંદાજ છે. તેની રજને ઓળખવા માટે લોહચૂંબકનું પરિક્ષણ જરૂરી છે. તા.1થી 4 જાન્યુઆરી સુધી સતત ચાર દિવસ સુધી આકાશમાં ઉલ્કા વર્ષા થતી જોવા મળશે. ઉલ્કા વર્ષના દર્શન માટે મધ્ય રાતથી વહેલી સવારનો સમય શ્રેષ્ઠ ગણાય છે. વાતાવરણમાંરહેલા વાયુઓ સાથે ઉલ્કાના ઘર્ષણના કારણે આ ટુકડાઓ સળગી ઊઠે છે અને તેજ લિસોટા, અગ્નિસ્વરૂપે આકાશમાં જોવા મળે છે.
વિજ્ઞાન જાથાના સૂત્રોના જણાવ્યા મુજબ ઉલ્કા વર્ષા નિહાળવા માટે મધ્યરાત્રિ બાદ વહેલી પરોઢનો સમય શ્રેષ્ઠ ગણાય છે. મોટેભાગે વહેલી પરોઢે ઉલ્કા વરસાદ સ્પષ્ટ રીતે જોવા મળે છે. ભારતમાં રણપ્રદેશ, દરિયાઈ પટ્ટીમાં ખગોળપ્રેમીઓ ઉલ્કા વર્ષા નિહાળી રોમાંચિત થાય છે. સારી રીતે ઉલ્કા વર્ષ નિહાળવી હોય તો સારૂ દુરબીન કે ટેલિસ્કોપ શ્રેષ્ઠ ગણાય છે. ઉલ્કા વર્ષા પીળા, લીલા અને વાદળી એવા વિવિધ રંગોમાં જોઇ શકાય છે. ઉલ્કા જ્યારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે તેને મેટિયોર ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી પર દરરોજ લગભગ 40 ટન જેટલી ઉલ્કા વાતાવરણમાં પ્રવેશે છે. આ ઉલ્કા વર્ષ થવા પાછળ ધૂમકેતુઓ જવાબદાર છે. સૌરમંડળમાં એવા ધૂમકેતુઓ છે, જેનું સતત વિસર્જન થતું રહેતું હોય છે. તેમાંથી વિસર્જિત થયેલો પદાર્થ ધૂમકેતુની દિશા જાળવી રાખે છે.