રાજકોટઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ચિતાંજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે પણ રાજકિય મેળાવડાઓ પણ બેરોકટોક યોજાઈ રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આવતીકાલે શુક્રવારે રાજકોટમાં રોડ શો યોજાશે. જ્યાં એરપોર્ટથી ડી.એચ.કૉલેજ સુધી રોડ શોનું આયોજન કરાયુ છે. રોડ શોને લઈ શહેર ભાજપ અને વહીવટી તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રોડ શોમાં સીઆર પાટીલ અને પાંચ પ્રધાનો હાજર રહેશે. બીજીબાજુ કોંગ્રેસ દ્વારા કોરોનાને લીધે સીએમના રોડ શોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે. શહેરમાં કોરોનાના કેસનો ડબલીંગ રેશિયો 6 દિવસથી ઘટીને 3 દિવસ થયો છે. 29 ડિસેમ્બરના આંકડા પ્રમાણે ગત ત્રણ દિવસમાં કોરોનાના કેસમાં વધારો થતો જોવા મળ્યો છે. રાજકોટ શહેરમાં હાલમાં કોરોના વાયરસના 101 એક્ટિવ કેસ છે. જેમાંથી 93 જેટલા કેસોમાં સામાન્ય લક્ષણો જોવા મળ્યા છે. શહેરમાં વધી રહેલા કોરોના વાયરસના કેસોને પગલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાંચ જેટલા ટેસ્ટિંગ બુથ શરૂ કરવામાં આવી રહ્યો છે.સાથે શહેરમાં ધન્વંતરી રથ પણ શરૂ કરવામાં આવી રહ્યો છે.
રાજકોટ શહેરની મુલાકાતે આવતી કાલ તા.31મીએ મુખ્યમંત્રી આવી રહ્યા છે. અને તેના માટે મ્યુનિ. કોર્પોરેશને 83 કરોડ રૂપિયાના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો રાખ્યા છે. મુખ્યમંત્રીના રોડ શો બાદ લોકાર્પણના કાર્યક્રમો યોજાશે. જે 84 કરોડના કામો બતાવાયા છે તેમાં 1.35 કરોડના ખર્ચે બનાવેલા ઓર્ગેનિક વેસ્ટ કમ્પોસ્ટ પ્લાન્ટ, વોર્ડ નં. 18માં 3 કરોડના ખર્ચે બનાવેલી પ્રાથમિક શાળાની નવી બિલ્ડિંગ, વોર્ડ નં.13માં 2.31 કરોડના ખર્ચે શ્યામાપ્રસાદ મુખર્જી શાળા નં. 69નું નવું બિલ્ડિંગ, રૂ.7 કરોડના ખર્ચે પી.પી.પી. યોજના હેઠળના આવાસોનું તથા 20.12 કરોડના ખર્ચે ખરીદેલા 81 મિ. હાઈડ્રોલિક પ્લેટફોર્મ ધરાવતા ફાયર ફાઈટરનું લોકાર્પણ કરાશે.