નવા વેરિએન્ટનું વધતું જોખમ – દેશમાં ઓમિક્રોનથી નોંધાયું બીજુ મોત
- નવો વેરિએન્ટ ઓમિક્રોનનું જોખમ વધ્યું
- આજે દેશમાં ઓમિક્રોનથી બે મોત થયા
દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ભય ફેલાયો છે, દિવસેને દિવસે ઓમિક્રોનના કેસમાં વધારો થતો રહ્યો છે જ્યારે આ સ્થિતિમાં દૈનિક કોરોનાના કેસોમાં પણ મોટો ઉછાળો થયો છે તો બીજી તરફ ઓમિક્રોનથી મૃત્યુ થવાના કેસ સામે આવ્યા છે જેને લઈને દેશના લોકોની ચિંતા વધી છે.
આજ રોજ શુક્રવારે દેશમાં 24 કલાકમાં 16 હજાર 746 નવા કોરોના દર્દીઓ નોંધાયા છે.તો બીજી તરફ ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. સંક્રમિતોની સંખ્યા 1 હજારને વટાવી ચૂકી છે. મોડી રાત્રિના ટેડા પ્રમાણે મહારાષ્ટ્રમાં 198 કેસ નોંધાયા છે, જેમાં એકલા મુંબઈમાં 190 ઓમિક્રોનના સંક્રમણની પુષ્ટિ થઈ છે.
ત્યારે હવે ફરી બીજી વખત રાજસ્થાનમાં ઓમિક્રોન સંક્રમિત વ્યક્તિના મોતનો મામલો સામે આવ્યો છે. કોરોનાના આ નવા વેરિએન્ટથી દેશમાં આ બીજું મૃત્યુ થયું છે. આ પહેલા નાઈજીરીયાથી પરત આવેલા એક વ્યક્તિનું પણ મહારાષ્ટ્રમાં મૃત્યુ થયું હતું, તે પણ ઓમિક્રોનથી સંક્રમિત હતો. રાજસ્થાનના ઉદયપુરના 73 વર્ષીય વ્યક્તિના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે.