અમદાવાદઃ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે દ્વારા કોરાનાની બિમારીના કારણે માતા-પિતા બંને ગુમાવનારા 18થી નાની વયના 5 બાળકોને સહાય અર્પણ કરવામાં આવી હતી. પીએમ કેર ફોર ચિલ્ડ્રન સ્કીમ હેઠળ 5 બાળકોને 10 લાખ રૂપિયાના સહાયની પોસ્ટ એકાઉન્ટની પાસબુક આપવામાં આવી હતી.
જિલ્લાના દસક્રોઇ તાલુકાના વહેલાલ ગામમાં રહેતા દંપતી રાજેશભાઇ અને મીનાક્ષીબેનનું જુલાઇ મહિનામાં કોરોનાની બીજી લહેરમાં કોરોનાથી સંક્રમિત થયા બાદ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ દપંતીના નિધનથી 3.5 વર્ષની દિકરી વિશ્વાંગી અને 16 વર્ષના દિકરા પ્રતિકે માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી. બંને બાળકોને માતા-પિતાની ખોટ વર્તાઇ રહી હતી. સાથો સાથ જીવન ગુજરાન અને કારકિર્દી ઘડતર માટેના પ્રશ્ન પણ મુંઝવી રહ્યા હતા. હાલ આ બંને બાળકો તેમના કાકા વિક્રમભાઇ પરમારની છત્રછાયા હેઠળ છે. મધ્યમવર્ગીય આ પરિવાર માટે બંને બાળકોનો શ્રેષ્ઠ ઉછેર કરીને તેમને પગભર કરવાનો ધ્યેય છે.આ પરિસ્થિતિમાં “PM CARES ફોર ચિલ્ડ્રન સ્કીમ” હેઠળ મળેલી 10 લાખ રૂપિયાની સહાય મધ્યમવર્ગીય પરિવાર માટે આશીર્વાદ રૂપ બની રહેશે. ઘોરણ 11 આર્ટસમાં અભ્યાસ કરતા 16 વર્ષીય પ્રતિક અભ્યાસ બાદ પોલીસ સેવામાં જોડાઇ દેશ અને સમાજસેવા કરવાનું સ્વપ્ન સેવી રહ્યા છે. સરકાર દ્વારા મળેલી સહાય શ્રેષ્ઠ શિક્ષણ અપાવવામાં, સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારીમાં અને મારી કારકિર્દી ઘડતરમાં અત્યંત મહત્વની બની રહેશે તેવી લાગણી પ્રતિકે વ્યક્ત કરી હતી.
વિક્રમભાઇ પરમારે વિશ્વાંગીને C.B.S.E. બોર્ડનું શિક્ષણ આપતી શાળામાં પ્રવેશ અપાવીને ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા પગભર કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, 18થી નાની વયના આ 5 બાળકોનું કલેક્ટર નોમિનેશન અંતર્ગત પોસ્ટમાં એકાઉન્ટ ખોલાવવામાં આવ્યું છે. જેમાં ઉપરોક્ત નાણાકીય સહાય જમાં કરાવવામાં આવશે. બાળક 18 વર્ષનું થયા બાદ જ આ રકમ ખાતામાંથી ઉપાડી શકાશે. પરંતુ આકસ્મિક સંજોગોમાં જિલ્લા કલેક્ટર સાથે પરામર્શ કરીને તેમના હસ્તાક્ષરથી બાળકની આક્સમિક જરૂરિયાતમાં પણ આ રકમનો ઉપયોગ થઇ શકશે.