કોરોના સંકટઃ બિહારના પટણામાં માસ્ક વિના ફરતા લોકોને પકડી લેવા ઝુંબેશ શરૂ કરવામાં આવશે
દિલ્હીઃ બિહારમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેથી સરકાર અને અધિકારીઓ દ્વારા રાજ્યની જનતાને માસ્ક અનો સામાજીક અંતર સહિતની કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી હતી. દરમિયાન હવે પટનામાં હવે માસ્ક વિના ફરતા લોકોને પકડી લેવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવશે. સોમવારથી શહેરના વિવિધ વિસ્તારમાં માસ્કને લઈને તપાસ કરવામાં આવશે. તેમજ માસ્ક વિના ફરતા લોકોને પકડીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર બિહારમાં કોરોના વાયરસના વધતા જતા સંક્રમણને જોતા પટનામાં દરેક માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે. કોઈપણ માસ્ક વગર પકડાશે તો તેને 50 રૂપિયાનો દંડ ભરવો પડશે. જો વાહન ચલાવતી વખતે માસ્ક વગર પકડાશે તો વાહન જપ્ત કરવામાં આવશે. એટલું જ નહીં દુકાન ઉપર જો કોઈ જો માસ્ક વિના પકડાશે તો દુકાનને સીલ કરવાની સાથે જે તે વ્યક્તિને દંડ કરવામાં આવશે.
સોમવારથી શહેરના મુખ્ય ચોક, ચોક, રોડ, શાકમાર્કેટ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન વગેરે સ્થળોએ તપાસ કરવામાં આવશે. આ માટે પ્રશાસને 10 ટીમો બનાવી છે. DM ડૉ. ચંદ્રશેખર સિંહે કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને આ આદેશ જારી કર્યો હતો. ડીએમએ અધિકારીઓને કડક પાલન સુનિશ્ચિત કરવા કહ્યું, જેથી બેદરકારીથી લોકોના સ્વાસ્થ્ય પર કોઈ અસર ન થાય.
માસ્ક ચેકિંગ માટે બનાવેલી દસમાંથી ત્રણ ટીમો બસ, ટેમ્પો વગેરે વાહનો પર માસ્કને લઈને ચેકીંગ કરશે. બે ટીમો દુકાનો પર માસ્ક ચેકિંગ ઝુંબેશ ચલાવશે. ગ્રાહકોને માસ્ક વિના પ્રવેશ ન કરવા દેવાની જવાબદારી દુકાનદારોની રહેશે. આ ઉપરાંત 5 મોબાઈલ વાહનો દ્વારા શાકમાર્કેટ અને ભીડભાડવાળા વિસ્તારોમાં માસ્ક ચેક કરીને દંડાત્મક કાર્યવાહી હેઠળ દંડ વસૂલવામાં આવશે. જપ્ત કરાયેલા વાહનોને ગાંધી મેદાન ખાતે રાખવામાં આવશે અને ડ્રાઇવર કે માલિક માસ્ક વગર વાહન ચલાવશે નહીં તેવી શરતે દંડ ભરીને છોડવામાં આવશે.
(PHOTO-FILE)