કચ્છના ધોળાવીરામાં વન વિભાગની અભ્યારણ્યની જમીનમાં જ ટેન્ટસિટી ! લાઉડસ્પીકરો વગાડવા સામે વિરોધ
ભૂજઃ છેલ્લા એક દાયકાથી પ્રવાસન ક્ષેત્રે કચ્છનો સોરોએવો વિકાસ થયો છે. કચ્છના સફેદ રણ બાદ હવે ધોળાવીરાની ઐતિહાસિક વિરાસતને નિહાળવા માટે પ્રવાસો આવી રહ્યા છે. ભચાઉ તાલુકાના ધોળાવીરાને યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસત જાહેર કરાયા બાદ પ્રવાસીઓને આકર્ષવા માટે પ્રથમ વખત તંબુનગરી ઊભી કરવામાં આવી છે, પરંતુ પ્રથમ વખત શરૂ થયેલી ટેન્ટ સિટી થોડા દિવસોમાં જ વિવાદમાં સપડાઇ ગઇ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છના ધોળાવીરા ખાતે ભંજડોદાદાના મંદિરના સ્થાનકની બાજુમાં અને રણને અડીને ખાનગી પાર્ટી દ્વારા 30 જેટલા તંબુ તાણી ટેન્ટસિટી બનાવાઇ છે. ધોળાવીરા નિહાળવા આવતા સહેલાણીઓ રાતવાસો કરીને રણમાં આનંદ માણી શકે તે માટે ટેન્ટ સિટી ઊભી કરાઇ છે. રાતના સમયે અહીં પ્રવાસીઓની સવલત ખાતર સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ લાઇટ શો યોજવામાં આવતા હોય છે, પરંતુ રણ વિસ્તારમાં પાછળ અભયારણ્ય આવેલું હોવાથી વનવિભાગના કાયદાનો ભંગ થતા હરકતમાં આવેલા ફોરેસ્ટ તંત્રએ તંબુનગરીના સંચાલકને કાયદાનું ભાન કરાવ્યું હતું.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આ ટેન્ટ સિટી જંગલખાતાની જમીનમાં તંત્રની મંજૂરી વિના ઊભી કરાઇ છે. પૂર્વ કચ્છ વનવિભાગના સૂત્રોના કહેવા મુજબ 1986મા આ વિસ્તારની પાછળ અભ્યારણ્ય જાહેર કરાયું છે. જે પ્રમાણે છેલ્લા બે મહિનાથી સર્વે-સેટલમેન્ટની કામગીરી મહેસૂલી વિભાગ દ્વારા શરૂ કરી વાંધા અરજી મંગાવાઇ છે. જેથી જ્યાં સુધી સર્વે-સેટલમેન્ટની કામગીરી પુરી ન થાય ત્યાં સુધી આ જમીન કયા તંત્રની છે, તે કહી શકાય નહીં તેવું કહ્યું હતું. સાઉન્ડ સિસ્ટમ બાબતે પુછતા સપ્તાહ પૂર્વે તંબુનગરીમાં સ્પિકર બંધ કરાવાયા હોવાનું જણાવ્યું હતું.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ધોળાવીરાના ટેન્ટ સિટીમાં ઉંચા અવાજે સ્પિકર વગાડવામાં આવતા હતા. જેનાથી પાછળ અભ્યારણ્ય વિસ્તારમાં પશુ-પક્ષીઓને ખલેલ પડે તેમ હતી. તેમ જ લાઇટનો પ્રકાશ રણમાં જતો હોઇ પક્ષીઓમાં ખોટો ગભરાટ ન ફેલાય તે માટે જવાબદાર સંચાલકને સાઉન્ડ ધીમા અવાજે વગાડવામાં તેમજ રણમાં લાઇટ ન ફેકવા જણાવી તે નિયમની અમલવારી કરાવાઇ છે. જો અમલવારી ન થાય તો વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવા પણ જણાવી દેવાયું છે.
ધોળાવીરા ટેન્ટ સિટીમાં આવતા પ્રવાસીઓ ભુલેચૂકે અભયારણ્ય વિસ્તારમાં ન પ્રવેશે તેમજ ફોરેસ્ટ એરિયામાં ગંદકી ન ફેલાવે તેની નિગરાની માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા સ્થાનિકે ચોકીદારને રાખવામાં આવ્યો છે.