ભાવનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વેરા વસુલાત ઝૂંબેશ, 111 મિલક્તોને સીલ, 30 લાખ વસુલાયા
ભાવનગરઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નવા વર્ષની શરૂઆત વેરાની કડક વસુલાતથી કરવામાં આવી છે. 1લી જાન્યુઆરીથી જ મ્યુનિ. કોર્પોરેશનના તમામ વિભાગોની બનાવેલી 26 ટીમો મેદાનમાં ઉતરી છે. વેરો બાકી હોય તેવી કોમર્શિયલ અને રેસિડેન્શિયલ મિલકતોની જપ્તિની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને પ્રથમ દિવસે જ 111 મિલકતને જપ્ત કરાઈ હતી. વર્ષ 2022ના પ્રથમ દિવસે જ સામુહિક જપ્તિ શરૂઆત કરતા એક જ દિવસમાં 70 લાખની આવક થઈ હતી.
ભાવનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બાકી વેરાની વસુલાતમાં નાણાંકીય વર્ષની શરૂઆતમાં નિષ્ક્રિયતા દાખવ્યા બાદ હવે 2022ના વર્ષના પ્રારંભે વસુલાતની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. 2021નું આખુ વર્ષ આરામ કરી હવે મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓ રિકવરી માટે ધંધે લાગ્યા છે. મ્યુનિ. કોર્પોરેશનના તમામ વિભાગની 26 ટીમ બનાવી તમામ 13 વોર્ડમાં માસ જપ્તિ માટે કાર્યવાહી શરૂ કરી છે. શહેરના જુદા જુદા વિસ્તારમાં રહેણાંકી અને કોમર્શિયલ મિલકતોની જપ્તી કરી કરી હતી. પ્રથમ દિવસે 111 મિલકતોને જપ્ત કરવામાં આવી હતી. અને જપ્તીની કાર્યવાહી દરમિયાન 80 મિલકતોનો રૂ. 30 લાખ સ્થળ પર જ વસુલ કર્યા હતાં. દરેક ટીમને અઠવાડિયામાં 60 મિલકત જપ્ત કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જપ્તીના ડરે પ્રથમ દિવસથી જ વેરાની આવકમાં પણ વધારો થયો હતો. એક જ દિવસમાં 70 લાખથી વધુની આવક થઈ હતી. માસ જપ્તીની કાર્યવાહી આગામી દિવસોમા વધુ કડક બનાવાશે. મ્યુનિ.કોર્પોરેશને કર ન ભર્યો હોય તેવા SBIના ATMને પણ સીલ કરાયું હતું. શહેરના ઘોઘાગેટ ખાતે આવેલા એસ.બી.આઈ.ના એટીએમના રૂ.48000 બાકી હતાં જેને ભરપાઈ કરવાની જવાબદારી મિલકત માલિકની હોય છે. જ્યારે પોલીસ ડિપાર્ટમેન્ટના પણ સાતથી આઠ લાખનો વેરો બાકી હતો તે પૈકી આજે રૂ.6 લાખ ભરપાઈ કર્યા હતાં.
મ્યુનિના સૂત્રોએ જણાવ્યું હતું કે,મિલકત વેરો બાકી હોય અને જો રિકવરી ટીમ મિલકતને સીલ મારવા આવે ત્યારે સ્થળ પર જ પુરી રકમનો અથવા જો હપ્તે ભરવા માગે તેને કુલ બાકી વેરાના 50 ટકા સ્થળ પર તેમજ બાકી રકમનો ચેક ચાર પાંચ દિવસ બાદનો આપવામાં આવે તો જપ્તીમાંથી મુક્તિ મળશે. પરંતુ જપ્તી પૂર્વે જ વેરો ભરપાઈ થાય તો જપ્તીનો પ્રશ્ન પણ રહે નહીં.