15થી 18 વર્ષના કિશોરોને રસીકરણઃ પ્રથમ દિવસે જ 13 લાખ તરૂણોને રસીનો ડોઝ અપાયો
દિલ્હીઃ દેશમાં કોરોના સામેની લડાઈને આજથી વધારે મજબુત કરવામાં આવી છે. દેશમાં 15થી 18 વર્ષના લગભગ 10 કરોડ બાળકોને કોરોનાથી સુરક્ષિત કરવા માટે આજથી રસીકરણનો પ્રારંભ થયો હતો. ત્યારે પ્રથમ દિવસે જ અત્યાર સુધીમાં 13 લાખથી વધારે બાળકોને રસીનો ડોઝ આપવામાં આવ્યો હોવાનું જામવા મળે છે. સમગ્ર દેશમાં કોરોનાની ગાઈડલાઈન અનુસાર રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ એક રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેમજ રસીકરણની કામગીરીનું નિરીક્ષણ કરીને રસી લેનારા કિશોરો સાથે ચર્ચા કરી હતી. એટલું જ કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ રસી લેનારા વિદ્યાર્થીઓને પણ અન્ય વિદ્યાર્થીઓને રસી લેવા પ્રેરવા માટે સૂચન કર્યું હતું.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર, આ વયજૂથના બાળકોને કોવિડ-19 વિરોધી રસી ‘કોવેક્સિન’નો ડોઝ આપવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 15 થી 18 વર્ષની વયજૂથના 33,94,289 બાળકોએ રસીકરણ માટે નોંધણી કરાવી છે. જેમાંથી અત્યાર સુધીમાં 12,91,932 બાળકોને રસી આપવામાં આવી છે. ગુજરાતમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા રસીકરણનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. રાજ્યના લગભગ 35 લાખ કિશોરોને રસીકરણમાં આવરી લેવા માટે 9મી જાન્યુઆરી સુધી મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે સવારથી કિશોરોના રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ બાળકો રસી લે લેવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવ્યાં છે. શૈક્ષણિક સંસ્થાઓના સંકુલમાં પણ વિદ્યાર્થીઓને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત દિવ્યાંગ વિદ્યાર્થીઓને ઘરે જઈને રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.