અખિલેશ યાદવ હિન્દુત્વના માર્ગે, રોજ રાતના સ્વપ્નમાં ભગવાન શ્રી કૃષ્ણ આવતા હોવાનો દાવો
લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી જીતવાનો રંગ રાજકીય નેતા અખિલેશ યાદવને એવો લાગ્યો કે તેઓ શું બોલી રહ્યા છે તે તો કદાચ તેમને પણ ખબર હશે નહી. અખિલેશ યાદવે કહ્યું કે રાતે તેમના સપનામાં શ્રીકૃષ્ણ આવે છે અને કહે છે કે આ વખતે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીની સરકાર બનશે. અખિલેશ યાદવ હવે ભગવાન શ્રી કૃષ્ણ ઉપરાંત રામ રાજ્યની પણ વાતો કરી રહ્યાં છે. આમ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં વિકાસ સહિતના મુદ્દાઓ સાઈડમાં મુકીને હિન્દુત્વના મુદ્દા ઉપર લડવામાં આવતી હોવાનું રાજકીય તજજ્ઞો માની રહ્યાં છે.
ઉત્તરપ્રદેશમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને ભાજપ-સપા-કોંગ્રેસ-બસપા વચ્ચે ખરાખરીનો જંગ જામવાની શકયતા છે. ભાજપ દ્વારા હિન્દુત્વના એજન્ડા સાથે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તેમજ મુસ્લિમોના તૃષ્ટીકરણ મામલે સપા અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો સામે આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન હવે સપાના વડા અખિલેશ યાદવ પણ હિન્દુત્વ તરફ વળ્યાં હોય તેમ લાગી રહ્યું છે. રોજ રાતના ભગવાન શ્રી કૃષ્ણ સપનામાં આવતા હોવાનો યાદવે દાવો કર્યો છે. એટલું જ સ્વપ્નમાં આવતા ભગવાન સપાની સરકાર બનશે તેવુ કહેતા હોવાનો પણ અખિલેશે દાવો કર્યો હતો. એટલું જ નહીં સમાજવાદી પાર્ટીનો માર્ગ રામ રાજ્યનો હોવાનો કહીને હિન્દુ મતદારોને આકર્ષવાના પ્રયાસ કરવામાં આવતા હોવાનું રાજકીય તજજ્ઞો માની રહ્યાં છે.
ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકીય માહોલ ગરમાયો છે. તાજેતરમાં જ સીએમ યોગીએ અયોઘ્યા અને કાશી બાદ હવે મથુરાનો વારાનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ ભાજપના જ એક સાંસદે યોગીને મથુરાથી વિધાનસભા ચૂંટણીના જંગમાં ઉતારવા માટે હાઈકમાન્ડને વિનંતી કરી છે. જેથી યોગી મથુરા અથવા અયોધ્યાથી ચૂંટણી લડે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. જો કે, ભાજપ તેમને ઉમેદવાર બનાવે છે તો ક્યાંથી તે તો આગામી દિવસોમાં ખબર પડશે. પરંતુ ભાજપ હિન્દુત્વના માર્ગે ચૂંટણી પ્રચાર કરતી હોવાનું રાજકીય વિશેષકો માની રહ્યાં છે. બીજી તરફ અખિલેશ યાદવે પણ યોગી માર્ગ ઉપર ચાલીને વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે.
દરમિયાન અખિલેશ યાદવે કહ્યું હતું કે, સમાજવાદનો રસ્તો અસલમાં રામરાજ્યનો માર્ગ છે. ‘ભગવાન શ્રી કૃષ્ણ રોજ મારા સપનામાં આવે અને કહે છે કે સમાજવાદી સરકાર બનવા જઈ રહી છે. ભાજપ અવાર-નવાર રામ રાજ્યની વાત કરે છે પરંતુ હકીકતમાં જે દિવસથી સમાજવાદનો સંપૂર્ણ અમલ થશે તે દિવસથી રામરાજ્યની શરૂઆત થશે. અખિલેશ યાદવે સીએમ યોગી અને ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. જ્યારે યોગી જનતાની વચ્ચે જશે ત્યારે તેમને પૂછવામાં આવશે કે રોજગાર આપવા અને ખેડૂતોની આવક બમણી કરવા સહિતના તમામ વચનો કેમ પૂરા ન થયા. બધાને ખબર જ હશે કે જ્યારે દીકરો પરીક્ષામાં પાસ નથી થઈ શકતો ત્યારે ક્યારેક માતા-પિતા અને કાકા પણ કોપી કરાવવા જાય છે. આપણા મુખ્યમંત્રી નિષ્ફળ ગયા છે. હવે તેમને કોઈ પાસ કરાવી શકશે નહીં અને જે લોકો તેમને પાસ કરાવવા આવશે તેઓ પણ પાસ કરી શકશે નહીં.
સમગ્ર દેશની જનતાની જનતા હાલ ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણી ઉપર મંડાયેલી છે. દરમિયાન વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ બાદ હવે સપા પણ હિન્દુત્વના માર્ગે ચાલીને સરકાર બનાવવાના પ્રયાસ કરતી હોવાની રાજકીય પક્ષો માની રહ્યાં છે.