રાજકોટઃ શહેરના વેપારી મહાજન એવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી 13મી ફેબ્રુઆરીએ યોજવાનું જાહેર કરવામાં આવ્યું છે. આ માટે પાંચ સભ્યોની ચૂંટણી કમિટી બનાવવામાં આવી છે. આ કમિટી આવતા સપ્તાહમાં ફોર્મ ભરવાથી માંડીને તારીખવાર ચૂંટણી કાર્યક્રમ જાહેર કરશે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પદાધિકારીઓની ત્રણ વર્ષની ટર્મ પૂર્ણ થઇ રહી છે ત્યારે સમયસર ચૂંટણી યોજાય તે માટે કારોબારી સમિતિએ ફેબ્રુઆરીમાં નવી ટર્મ માટે ચૂંટણી યોજવાનો નિર્ણય લીધો છે અને 13મી ફેબ્રુઆરીએ ચૂંટણી નક્કી કરવામાં આવી છે.ચેમ્બરના પૂર્વ પ્રમુખ એવા હિતેશ બગડાઈના અધ્યક્ષસ્થાને ચૂંટણી સમિતિની રચના કરવામાં આવી છે. બંધારણની જોગવાઈ પ્રમાણે ત્રણ સભ્યોની ચૂંટણી સમિતિ હોય છે અન્ય બે સભ્યોમાં સુનિલ શાહ તથા એડવોકેટ વારોતરીયા રહેશે જ્યારે રામભાઈ બરછા અને પરસોતમ પીપળીયા આમંત્રિત સભ્ય તરીકે સમિતિમાં રહેશે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સમાં નવી ચૂંટણી માટે 1802 મતદારો છે. ગત ચૂંટણીમાં 4500 જેટલા મતદારો થયા હતા. પરંતુ તે વખતે સેંકડો મતદારો ઉમેરાયા હતા આ વખતે માત્ર એક્સ્ચ્યુલ મતદારો જ છે અને મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજાય તેવી પ્રતિબધ્ધતા છે. 10મી તારીખે વર્તમાન કારોબારી સમિતિની આખરી બેઠક યોજાશે અને તેમાં ચૂંટણી સમિતિને ચાર્જ સોંપી દેવામાં આવશે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના અઘ્રણીએ જણાવ્યું હતું કે, વર્તમાન કારોબારી સમિતિમાં કોઇ સ્વેચ્છાએ ચૂંટણી લડવાની ના પાડે તો અલગ વાત છે અન્યથા વર્તમાન બોડી ઝુકાવશે. કોઇ હરિફ પેનલ ઉભી થાય તો સૌપ્રથમ સર્વસંમતિના પ્રયત્નો કરીને ચૂંટણી ટાળવાના પ્રયાસો કરાશે. આમ છતાં ચૂંટણી કરવાની થાય તો વર્તમાન બોડી લડી લેવા માટે તૈયાર છે. છેલ્લા ત્રણ વર્ષની ટર્મમાં વર્તમાન બોડીએ કોરોના કાળમાં વેપારીઓને વેપાર-ધંધા શરુ કરાવવાથી માંડીને જીએસટી સહિતના અનેકવિધ પ્રશ્નોનો ઉકેલ લાવી દીધો છે. તેને ધ્યાનમાં લેતા આગામી ચૂંટણીમાં મતદારો વર્તમાન બોડીની કામગીરી તથા કાર્યક્ષમતાને નજરમાં રાખીને જ મત આપશે તે નિશ્ર્ચિત છે.
દરમિયાન ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવે એવો દાવો કર્યો હતો કે રાજકોટને એરપોર્ટથી માંડીને અનેકવિધ સુવિધાઓ અપાવવામાં વેપારી મહાજને મુખ્ય ભાગ ભજવ્યો છે. ખાસ કરીને ઇન્ટરનેશનલ એરપોર્ટને લાગે વળગે છે ત્યાં સુધી 2010માં જ મંજૂરી મળી ગઇ હતી છતાં કામગીરી આગળ ધપતી ન હતી. ચેમ્બર ઓફ કોમર્સે જ સમગ્ર બીડુ ઝડપ્યું હતું અને કામ શરુ થાય તે માટે છેવટ સુધીના પ્રયત્નો કરીને સ્વપ્ન સાકાર કરાવવામાં સિંહફાળો આપ્યો છે. ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન 63 પ્રશ્નોનો નિવેડો લાવવામાં આવ્યો છે. હજુ કન્ટેનર ડેપો વગેરે પ્રશ્નો ઉભા છે. તેના માટે પણ સતત પ્રયત્નો કરવામાં આવી જ રહ્યા છે. નવા રેસકોર્સ પાસે કન્વેન્શન સેન્ટર માટે જમીનની માંગ રજૂ કરી દેવામાં આવી છે. નવી મોટી જીઆઈડીસી માટે પણ રજૂઆત કરવામાં આવી છે. હોદેદારો વખતોવખત ગાંધીનગરર જઇને પણ સરકાર પાસે સમસ્યાઓના ઉકેલ માટે પ્રયત્નો કરતા જ રહે છે.