ONGCની કમાન હવે મહિલાના હાથમાં સોંપાઇ, ચેરમેન-એમડી તરીકે અલકા મિત્તલની નિમણૂંક
- ONGCની કમાન મહિલાના હાથમાં સોંપવામાં આવી
- ONGCના ચેરમેન અને એમડી તરીકે અલકા મિત્તલની નિમણૂંક
- પ્રથમ વખત આ પદે કોઇ મહિલાની નિમણૂંક
નવી દિલ્હી: ભારતની દિગ્ગજ કંપનીઓમાં ONGC આવે છે ત્યારે હવે ONGCની કમાન એક મહિલાના હાથમાં સોંપવામાં આવી છે.
ONGCના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનો ચાર્જ કંપનીના એચઆર ડાયરેક્ટર અલકા મિત્તલને સોંપવામાં આવ્યો છે. પ્રથમ વખત એવું બન્યું છે કે, ONGCના સર્વોચ્ચ પદ પર કોઇ મહિલાની નિમણૂંક કરવામાં આવી છે.
ગત વર્ષે ફેબ્રુઆરી મહિનાથી ONGCમાં અત્યાર સુધી ફુલ ટાઇમ ચેરમેનની નિમણૂંક થઇ રહી નથી. જો કે હવે ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનો ચાર્જ અલકા મિત્તલને સોંપવામાં આવ્યો છે.
અલકા મિત્તલની ડિગ્રી વિશે વાત કરીએ તો તેમણે ઇકોનોમિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવી છે અને હ્યુમન રિસોર્સ વિષય સાથે એમબીએ પણ કર્યું છે. કોમર્સ અને બિઝનેસ સ્ટડીઝમાં ડોક્ટરેટની પદવી પણ મળી છે.
વર્ષ 1985માં અલકા મિત્તલે તાલીમાર્થી તરીકે ONGC જોઇન કર્યું હતું અને તે પછી એક પછી એક પ્રમોશન મેળવીને 2018થી એચઆર વિભાગના ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ અરુંધતી ભટ્ટાચાર્યે પણ દેશની સૌથી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાનું ચેરમેનનું પદ ગ્રહણ કર્યું હતું.