પટના: બિહારમાં કોરોના વાયરસની વર્તમાન સ્થિતિને જોતા નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. નાઇટ કર્ફ્યુની સાથે સાથે ઘણા નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી નીતિશ કુમારની અધ્યક્ષતામાં મળેલી કટોકટી વ્યવસ્થાપન જૂથની બેઠકમાં લેવાયેલા નિર્ણયો લાગુ કરવામાં આવશે. રાજ્યમાં આજથી એટલે કે 6 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી સુધી નાઇટ કર્ફ્યુ અમલમાં રહેશે. રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી અમલમાં રહેશે. નાઇટ કર્ફ્યુ ઉપરાંત, રાજ્યમાં તમામ જીમ, મોલ, મંદિરો અને બાગ-બગીચા વગેરે પણ બંધ કરવામાં આવ્યા છે.
ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રૂપની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, આવશ્યક સેવાઓને લગતી દુકાનો સિવાય રાજ્યભરની તમામ દુકાનો રાત્રે આઠ વાગ્યા સુધી ખુલ્લી રહેશે. તે જ સમયે, ધોરણ 9 થી 12 સુધીના વર્ગો અને તમામ કોલેજો 50 ટકા હાજરી સાથે ખુલશે. તેમજ ઓનલાઈન એજ્યુકેશનની તાકીદ કરવામાં આવી છે. સરકારે લગ્ન અને શ્રાદ્ધને લઈને કેટલાક નિર્ણય લેવાયાં છે. લગ્નમાં 50 લોકોને જ મંજૂરી આપવામાં આવશે. જેમાં વર-કન્યા પક્ષ સહિત 50ની સંખ્યા રાખવામાં આવી છે. તે જ સમયે, શ્રાદ્ધ કાર્યક્રમમાં વધુમાં વધુ 20 લોકો જ ભાગ લઈ શકશે.
બિહાર સરકારના નિયમ અનુસાર, આવશ્યક સેવાઓ સિવાયની તમામ દુકાનો રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. નાઇટ કર્ફ્યુ રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે. ધોરણ 9, 10, 11 અને 12 ના વર્ગો અને તમામ કોલેજો 50 ટકા હાજરી સાથે ખુલશે. ધોરણ 8 સુધીના તમામ વર્ગો માત્ર ઓનલાઈન ચાલશે. તમામ સરકારી અને બિનસરકારી કચેરીઓ 50 ટકા હાજરી સાથે ખુલશે. કોઈપણ બહારના વ્યક્તિના ઓફિસમાં પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. આગામી આદેશ સુધી તમામ ધર્મસ્થાનો ભક્તો માટે બંધ રહેશે. માત્ર પૂજારી જ પૂજા કરી શકશે. રેસ્ટોરન્ટ લગભગ 50 ટકા કેપેસિટી સાથે ખુલ્લા રહેશે.