- ડિસેમ્બરમાં રિટેલ વેચાણ થયું પ્રભાવિત
- ડિસેમ્બર, 2021 દરમિયાન રિટેલ વેચાણ 16 ટકા ઘટ્યું
- ટુ વ્હીલર્સના રજીસ્ટ્રેશનમાં 19.86%નો ઘટાડો નોંધાયો
નવી દિલ્હી: ડિસેમ્બર, 2021 દરમિયાન દરેક પ્રકારના વાહનોના રિટેલ વાહનોના વેચાણના આંકડાઓ ફેડરેશન ઑફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશન દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. આ અનુસાર ડિસેમ્બર મહિનામાં દરેક પ્રકારના વાહનોના રજીસ્ટ્રેશનનો આંક ડિસેમ્બરમાં વાર્ષિક ધોરણે 16.05 ટકા ઘટી 1558756 વાહનો રહ્યું હતું. ટુ વ્હીલર્સના રજીસ્ટ્રેશનમાં 19.86 ટકાનો સૌથી વધુ ઘટાડો થયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, વર્ષ 2019ના ડિસેમ્બર મહિનાની તુલનાએ વર્ષ 2021ના ડિસેમ્બરમાં વાહનોના રિટેલ વેચાણમાં 6.30 ટકાનો ઘટાડો નોંધાયો છે.
દેશમાં હવે જ્યારે કોવિડના કેસમાં ફરીથી ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે દેશના અનેકવિધ રાજ્યો દ્વારા ફરીથી નિયમનો લાગૂ કરતા સ્થિતિ વણસે તેવી ચિંતા પણ ફાડાએ વ્યક્ત કરી છે.
કોવિડના વધતા કેસથી ફરીથી વર્ક ફ્રોમ હોમની નોબત આવે અને ઘરેથી શિક્ષણ પદ્વતિ શરૂ થતાં તેનાથી રિટેલ વેચાણ પ્રભાવિત થવાની સંભાવના ફાડાએ દર્શાવી છે.
ફાડાના પ્રમુખ વન્કેશ ગુલાટીએ કહ્યું કે, આરોગ્ય સંભાળ પાછળના ખર્ચમાં વધારો થવાની ચિંતાને કારણે લોકો વાહનની ખરીદી બાબતે પીછેહઠ કરી રહ્યા છે અને નિર્ણય નથી લઇ શકતા.
મહત્વનું છે કે, સ્ટોક ક્લિયરન્સ માટે ઓટો ઉત્પાદકો ડિસેમ્બર મહિના દરમિયાન ગ્રાહકોને ઊંચા ડિસ્કાઉન્ટ્સ સાથે વાહનોનું વેચાણ કરતા હોય છે પરંતુ વર્ષ 2021 દરમિયાન સ્થિતિ વિપરિત જોવા મળી છે અને વેચાણ પ્રભાવિત થતા વેચાણ પણ નિરાશાજનક રહ્યું છે.