સુરતમાં કોરોનાના ટેસ્ટીંગમાં વધારો, મનપા 10 લાખ ટેસ્ટીંગ કીટ ખરીદશે
અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદ અને ડાયમન્ડસિટી સુરતમાં ચિંતાજનક રીતે પોઝિટિવ કેસમાં વધારો થયો છે. સુરતમાં પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે ટેસ્ટીંગ વધારવાનો નિર્ણય લેવાયો છે. જેથી કોર્પોરેશન કોરોનાના ટેસ્ટીંગ માટે 10 લાખ જેટલી ટેસ્ટિંગ કીટની ખરીદી કરશે.
સુત્રોના જણાવ્યા અનુસાર કોરોના વિસ્ફોટની સ્થિતિને ધ્યાનમાં રાખી સુરત મહાપાલિકાએ શહેરમાં ટેસ્ટિંગ વધારવાની પ્રક્રિયા ઉપર ભાર મુક્યો છે. સુરત શહેરમાં હાલ દરરોજ લગભગ 12 હજાર જેટલા ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યાં છે. જેથી 10 લાખ રેપિડ એન્ટિજન ટેસ્ટિંગ કીટ ખરીદવાની જરૂરિયાત બતાવાઇ હતી. દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શાસકોએ પણ સ્થિતિની ગંભીરતા સમજીને વધારાના કામ તરીકે રજૂ થયેલી આ દરખાસ્તને નક્કી યુનિટ રેટ પ્રમાણે ખરીદી કરવા મંજુરી પણ આપી દીધી છે. વાયરલ ટ્રાન્સ્પોર્ટ મિડિયમ કીટ પ્રતિ 7.90 રૂપિયાના દરે 10 લાખ કીટ ખરીદવાની પ્રક્રિયાને મંજુરી આપવામાં આવી છે. આ ઉપરાંત VTM ની પણ 10 લાખ કીટ પણ ખરીદવા મંજુરી આપી દીધી છે. મનપાએ પણ ઓમિક્રોન વેરિએન્ટના દર્દીઓ માટે સ્મીમેર હોસ્પિટલમાં અલાયદો વોર્ડ ઊભો કરી રાખ્યો છે, ત્યારે શહેરમાં વધુ એક વખત ખુબ ઝડપથી વધી રહેલાં નવા કોરોના કેસને અંકુશમાં લેવા ટેસ્ટિંગ , ટ્રેસિંગ અને આઇસોલેશન સ્ટ્રેટેજી અપનાવવા પર ભાર મુક્યો છે. સુરતમાં કોરોના કેસમાં વધારો થતા મનપા દ્વારા હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. તેમજ જરૂરી દવાઓ તથા અન્ય મેડિકલ સુવિધાઓ પણ તૈયાર રાખવામાં આવી છે.