ઈટલી: 20 વર્ષથી ફરાર કેદી ફરી થયો જેલ ભેગો, પોલીસે ગૂગલનો કર્યો હતો ઉપયોગ
- ઈટલીના રોમમાંથી ફરાર થયો હતો કેદી
- 20 વર્ષ પછી ફરી થયો જેલ ભેગો
- પોલીસે આ રીતે કર્યો ગૂગલનો ઉપયોગ
દિલ્હી: કેટલીક વાર એવી ઘટનાઓ બનતી હોય છે જેમાં પોલીસ દ્વારા કેટલાક વર્ષો પછી કેદીને પકડી લેવામાં આવતા હોય છે અને તેમને ફરીવાર જેલમાં નાખવામાં આવતા હોય છે. કેટલીક વાર કેદીઓ જેલ તોડીને ફરાર પણ થઈ જતા હોય છે. આવી જ એક ઘટના ઈટલીમાં સામે આવી છે જેમાં પોલીસ દ્વારા રોમની જેલમાંથી 20 વર્ષ પહેલા જેલ તોડી ભાગી ગયેલો કેદી પકડી લેવામાં આવ્યો છે.
જાણકારી અનુસાર ગેંગસ્ટર કેદી ઈટલીના રોમની જેલમાંથી 2002માં ભાગી ગયો હતો અને તે નવું નામ અને નવી ઓળખ સાથે સ્પેનમાં દુકાન ચલાવી રહ્યો હતો. પોલીસે ગૂગલ સ્ટ્રીટ વ્યૂની મદદથી ફરી તેને જેલમાં ધકેલ્યો છે. જાણીને નવાઈ લાગશે પરંતુ ગૂગલ મેપ્સ સ્ટ્રીટ વ્યૂના ફોટોઝમાં પોલીસને મોસ્ટ વોન્ટેડ ગેન્ગસ્ટર એક દુકાનની બહાર દેખાયો અને પોલીસે તેને જેલ ભેગો કરી નાખ્યો.
રિપોર્ટ પ્રમાણે Gioacchino Gammino નામનો વ્યક્તિ હત્યાના ચાર્જમાં જેલમાં હતો. આ કેદી સ્પેનમાં એક અલગ ઓળખાણ ઊભી કરી જીવતો હતો. તેણે પોતાની એક દુકાન ખોલી હતી. તેને નામ પણ બદલી કાઢ્યું હતું. આ ગુનેગાર સ્પેનમાં ‘મન્યુલ’ નામથી રહેતો હતો. ‘ગૂગલ સ્ટ્રીટ વ્યૂ’માં પોલીસને એક દુકાનની બહાર મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર હોવાની શંકા ગઈ. પોલીસે સઘન તપાસ કરી તો પુરવાર થયું કે આ વ્યક્તિ 20 વર્ષ પહેલાં જેલમાંથી ભાગેલો કેદી છે. ગેંગસ્ટરની હડપચી પરના નિશાન પરથી પોલીસે તેની ઓળખ કરી.