ગુજરાતમાં કોલ્ડવેવ, નવ શહેરોમાં સિંગલ ડિઝીટ તાપામાન, ગિરનારમાં + 2 અને માઉન્ટ આબુમાં -3
અમદાવાદઃ રાજ્યભરમાં શિયાળો બરાબરનો જામ્યો છે. ઉત્તર-પૂર્વ તરફથી ફૂંકાઈ રહેલા બર્ફિલા પવનને કારણે રાજ્યભરમાં શીતલહેરનું મોજું ફરી વળ્યું છે. અમદાવાદ,રાજકોટ, નલિયા સહિત રાજ્યનાં 9 શહેરોમાં સિંગલ ડીઝીટ તાપમાન નોંધાતા લોકો ઠરી ગયા હતા. ગિરનાર પર્વત ઉપર ભારે ઠંડીનો માહોલ છવાઇ જવા પામ્યો છે. ઠંડીનો પારો નીચે ગબડી 2 ડીગ્રીએ નીચે આવી જવા પામ્યો છે. બર્ફીલા પવનના કારણે પ્રવાસીઓ ઠુંઠવાયા જવા પામ્યા છે. હાડ ગાળી નાખે અને સોંસરવો ઉતરી જાય તેવો ઠંડો પવન ગિરનાર પર્વત ઉપર ફૂંકાઇ રહ્યો છે. જ્યારે ગુજરાતીઓના મનપસંદ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ હાડ થીજવતી ઠંડી પડી રહી છે. માઉન્ટ આબુમાં સિઝનનું સૌથી નીચું તાપમાન માયનસ ત્રણ ડિગ્રી નોંધાતા રહીશો સહિત સહેલાણીઓ ઠુંઠવાયા હતા.
ગુજરાતમાં કમોસમી વરસાદનો રાઉન્ડ પૂરો થતાં જ રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. આજે સવારે અમદાવાદ સહિતના રાજ્યના મોટાભાગના ભાગોમાં જોરદાર ઠંડીનો અહેસાસ થયો હતો. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, આજે સવારે અમદાવાદમાં તાપમાનનો પારો ગગડીને 8 ડિગ્રી પહોંચ્યો હતો, જ્યારે ગ્રીન સિટી ગાંધીનગર 7 ડિગ્રી તાપમાનમાં ઠરી ગયું હતું.
આ સિવાય, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં પણ આજે કાતિલ ઠંડીનો અહેસાસ થયો હતો. દરિયાકાંઠાના અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોને બાદ કરતાં મોટાભાગના જિલ્લામાં લઘુત્તમ તાપમાન સિંગલ ડિજિટમાં નોંધાયું છે. માત્ર રાતના અને વહેલી સવારના જ નહીં, પરંતુ દિવસના તાપમાનમાં પણ આજે ઘટાડો જોવા મળતાં લોકોને બપોરે પણ ઘરમાં સ્વેટર પહેરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
ગુજરાતના પાડોશમાં આવેલા રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડી ચમકારો વધ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી તાપમાન નીચું જતા માયનસ ડિગ્રી ચાલી રહ્યું છે. આથી બરફ છવાયેલો જોવા મળ્યો છે. માઉન્ટ વાસીઓ માટે તો ઘરોની બહાર નીકળવું પણ કપરું બની ગયુ છે. રવિવારની રાત્રિએ ઠંડીનો ચમકારો વધુ રહેતા માયનાસ ત્રણ ડિગ્રી અને રહેતા બરફનું સામ્રાજ્ય છવાયું હતું. જ્યારે માઉન્ટ આબુના ગુરુ શિખર પર તાપમાન માઈનસ 5 ડિગ્રી પર પહોંચી ગયું હતું. તાપમાન શૂન્ય ડિગ્રીની નીચે પહોંચી જવાને કારણે માઉન્ટ આબુમાં બરફની ચાદર છવાઈ ગઈ હતી. આવી કાતિલ ઠંડીમાં સ્થાનિક રહીશો ઉપરાંત સહેલાણીઓ તોબા પોકારી ઉઠ્યા છે અને મોડે સુધી સૂર્યદેવના દર્શન ન થાય ત્યાં સુધી ઘરમાં પુરાઇ રહેવા મજબૂર બન્યા છે.