ગુજરાતમાં વિદ્યાસહાયકોની 3300 જગ્યા ભરવાનો સરકારનો નિર્ણય, ટેટ પાસને પ્રાથમિકતા અપાશે
ગાંધીનગરઃ રાજ્યમાં ઘણીબધી શાળાઓમાં પુરતા શિક્ષકો નથી, બીજીબાજુ ટેટ પાસ કરેલા વિદ્યાર્થીઓ વિદ્યાસહાયકોની ભરતી કરવા સરકાર સમક્ષ માગણી કરી રહ્યા હતા. સત્તાધારી પક્ષના ધારાસભ્યો પણ વિદ્યાસહાયકોની ભરતી કરવા માટે રજુઆતો કરી હતી.ત્યારે આજે સરકારે ટુંક સમયમાં 3300 વિદ્યાસહાયકોની ભરતી કરવાની જાહેરાત કરી છે. ધોરણ 6થી 8ના 2000 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે. જેનો લાભ ટેટ પાસ કરનારા ઉમેદવારોને મળશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં વિદ્યાસહાયકોની ભરતી કરવા માટે ટેટ પાસ કરેલા વિદ્યાર્થીઓ ઘણા સમયથી માગ કરી રહ્યા હતા. ઘણાબધા વિદ્યાર્થીઓ તો એવા હતા કે, ટેટ પાસ કર્યાને ત્રણ વર્ષ વિતી ગયા હોય અને પોતાની નોકરી મેળવવાની ઉંમર પણ વટાવી જવાની તૈયારી હોય, આવા વિદ્યાર્થીઓ વધુ ચિંતિત હતા. આ વિદ્યાર્થીઓએ પોતાના વિસ્તારના સ્થાનિક ધારાસભ્યોને તેમજ ગાંધીનગરમાં આવીને સરકારને પણ રજુઆત કરી હતી. આખરે સરકારે આજે વિદ્યાસહાયકોની ભરતી કરવાનો સત્તાવાર નિર્ણય લીધો હતો. અને તેની જાહેરાત ટુંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.
રાજ્ય સરકારે આજે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-3ની 373 જગ્યા પર ભરતી બહાર પાડી છે. ગુજરાત પંચાયત સેવા મંડળી વેબસાઇટ પર આ જાહેરાત મૂકવામાં આવી છે. જેમાં વિસ્તરણ અધિકારી, ડિવિઝનલ એકાઉન્ટન્ટ, સ્ટાફ નર્સ અને ડેપ્યૂટી એકાઉન્ટન્ટ સહિતની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ તમામ જગ્યા માટે ઓનલાઇન અરજી 11 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી વચ્ચે કરવાની રહેશે.
આ ઉપરાંત ઓક્ટોબર 2021માં કોવિડને કારણે પેન્ડિંગ રહેલી પોલીસ વિભાગની ભરતીની કાર્યવાહી ઝડ૫થી થાય એ હેતુથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના ગૃહ વિભાગ હસ્તક વિવિધ પોલીસ સંવર્ગની 27847 જગ્યા ભરવાનો મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. રાજ્યમાં બિનહથિયારી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, ઈન્ટેલિજન્સ ઓફિસર, બિનહથિયારી આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર, લોકરક્ષક તથા મોટર ટ્રાન્સપોર્ટ અને વાયરલેસ જેવા ટેક્નિકલ સંવર્ગોના પોલીસ સબ-ઈન્સ્પેક્ટર અને ટેક્નિકલ ઓપરેટર તથા હોમગાર્ડ્સ અને ગ્રામ રક્ષકદળની મળીને અંદાજિત 27847 જગ્યા માટે ભરતીનું આયોજન આગામી 100 દિવસમાં કરવાનો રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે.