અમદાવાદઃ કોરોનાના કેસ વધતા બી.જે.મેડિકલ કોલેજમાં ટેસ્ટીંગ માટે લેબ હવે 24 કલાક કાર્યરત રહેશે
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. બીજી તરફ ટેસ્ટીંગમાં પણ વધારો કરવામાં આવ્યો છે. કોરોના ટેસ્ટના રિપોર્ટ દર્દીઓને ઝડપથી મળી રહે અને તેમની ઝડપથી સારવાર શરૂ થાય તે દિશામાં સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત બી.જે. મેડિકલ કોલેજની લેબમાં હવે 24 કલાક કોરોનાના ટેસ્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસને લઇ 24 કલાક માટે લેબ કાર્યરત કરાઇ છે. શંકાસ્પદ દર્દીના સેમ્પલના રિપોર્ટ ઝડપથી મળે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડૉક્ટર નીતા ખંડેલવાલે જણાવ્યું હતું કે, દરરોજ 2 હજારથી વધુ સેમ્પલ લઇ RTPCR ટેસ્ટ કરવામાં આવે છે, ત્યાર બાદ સેમ્પલને ગાંધીનગરની લેબમાં જીનોમસિકવન્સ માટે મોકલવામાં આવે છે. જેમાંથી ડિસેમ્બર મહિનામાં મોકલાયેલા સેમ્પલોમાં ડેલ્ટા પ્લસ અને ઓમિક્રૉન રિપોર્ટ મળી આવ્યાં છે. ટ્રાવેલ હિસ્ટ્રી વાળા ઓમિક્રૉનના પાંચ અને 4 દર્દી ડેલ્ટા વેરિઅન્ટના પણ મળ્યા છે. જો કે જાન્યુઆરી મહિનાના મોકલાયેલ સેમ્પલોના તમામ પરિણામો હજુ બાકી છે.
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં રોકેટ ગતિએ વધારો થતા કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ પણ સફાળુ જાગ્યું છે. તેમજ શહેરમાં સર્વે અને ટેસ્ટીંગ વધારવામાં આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારમાં ટેસ્ટીંગ ડોમ ઉભા કરવામાં આવ્યાં છે. જેમાં મોટી સંખ્યામાં શંકાસ્પદ લોકો ટેસ્ટીંગ કરવા માટે લાંબી લાઈનો લગાવે છે. આ ઉપરાંત ધનવંતરી રથ પણ દોડવામાં આવી રહ્યાં છે.