ગુજરાતનું 2022-23નું બજેટ ફિલગુડ રહેશે, ચૂંટણીને લીધે તમામ વર્ગને રાહત આપવામાં આવે તેવી શક્યતા
અમદાવાદ : ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ આવતા મહિને ફેબ્રુઆરીમાં થશે. રાજ્ય સરકારના નાણા વિભાગના અધિકારીઓ હાલ બજેટની તૈયારીઓમાં પડ્યા છે. આ વખતું બજેટ કેવું રહેશે તે માટે સોની નજર છે. ત્યારે 2022નું વર્ષ વિધાનસભાની ચૂંટણીનું હોવાથી બજેટ હળવું ફુલ અને ખેડુતો, યુવાનો મહિલાઓ તેમજ ખાસ કરીને મધ્યમ વર્ગને રાહત આપનારૂ રહેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ફેબ્રુઆરીનાં મધ્ય ભાગમાં ગુજરાત સરકારનું વર્ષ 2022-23 નું બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. કોરોના સંક્રમણ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથોસાથ 71 વર્ષીય ગુજરાતનાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ તેમનું પ્રથમ બજેટ રજુ કરશે. આશ્ચર્યની વાત એ છે કે, નાણાં વિભાગનાં અગ્ર સચિવ જે.પી.ગુપ્તાનું પણ આ પ્રથમ બજેટ હશે. ગુજરાત વિધાનસભા ગૃહમાં સૌથી મોટી ઉંમર ધરાવતા આ પ્રથમ નાણામંત્રી છે.
નાણાવિભાગનાં સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનાં તમામ 26 વિભાગોમાં વર્ષ 2022-23 વર્ષનાં બજેટની કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આગામી નવેમ્બર-ડીસેમ્બર 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી હોવાને લઈને બજેટમાં લોકોને સ્પર્શે તેવી નવી યોજનાઓનો સમાવેશ કરવામાં આવશે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ રાજ્ય સરકારનાં દાયરામાં નથી આવતો પરંતુ રાજ્ય સરકાર પોતાના કરવેરામાં કેટલીક રાહતો આપે તેવી સંભાવના વર્તાઈ રહી છે. એટલું જ નહીં આ વખતનું બજેટ કરવેરાવિહોણું હશે.
રાજ્યનાં નાણા વિભાગના એક અધિકારીના જણાવ્યા મુજબ વર્ષ 2022-23 નું બજેટ સંપૂર્ણ કદનું રહેશે. જો કે રાજ્ય સરકાર ભલે સંપૂર્ણ કદનું બજેટ રજૂ કરે પરંતુ આગામી નવેમ્બર-ડીસેમ્બર, 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને રાજ્યનાં નાણાંમત્રીએ તેમના બજેટમાં કરાયેલી જોગવાઈઓમાંથી 6 મહિના માટેના ખર્ચનું લેખાનુદાન પસાર કરાવવું પડશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, રાજ્યનું બજેટ નાણા વિભાગ તૈયાર કરે છે પરંતુ તે પહેલા સરકારનાં તમામ 26 વિભાગોના ઉચ્ચ અધિકારીઓ પાસેથી નવી દરખાસ્ત અને નવી યોજનાઓ, આવક અને ખર્ચની વિગત મેળવવામાં આવે છે. અત્યારે સચિવાલયનાં પ્રત્યેક વિભાગો બજેટની તૈયારીમાં લાગી ચૂક્યાં છે. નવા વર્ષનાં બજેટમાં ભૂપેન્દ્ર પટેલની સરકારનાં વિચારો અને નવી યોજનાઓનું પ્રતિબિંબ પડે તેવી સંભાવના છે. (file photo)