જેલમાં કોરોનાનો પ્રવેશઃ ડીસાની સબજેલમાં 15 કેદીઓને કોરોનાનું સંક્રમણ
- કેદીઓએ તાવ-શરદીની કરી હતી ફરિયાદ
- તંત્ર દ્વારા કેદીઓનો રેપીડ ટેસ્ટ કરાયો
- હવે કેદીઓનો આરટીપીસીઆર ટેસ્ટ કરાશે
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં બુલેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. હવે જેલમાં પણ કોરોનાનું સંક્રમણ પ્રસર્યું છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાની ડીસા સબજેલમાં કેટલાક કેદીઓને કોરોનાનું સંક્રમણ લાગ્યું હોવાનું જાણવા મળે છે. જેલમાં બંધ 15 જેટલા કેદીઓનો રેપીડ ટેસ્ટ પોઝિટિવ આવતા જેલસત્તાવાળાઓમાં દોડધામ મચી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ડીસા સબજેલમાં બંધ કેટલાક કેદીઓ તાવ અને શરદીથી ફરિયાદ કરી હતી. જેથી જેલ તંત્ર દ્વારા આ કેદીઓનો રેપીડ ટેસ્ટ કર્યો હતો. જેમાં એક-બે નહીં પરંતુ 15 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા જેલ તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું. તેમજ તેમના આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાની કાર્યવાહી શરૂ કરી છે. તેમજ આ દર્દીઓની યોગ્ય સારવાર શરૂ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાના પોઝિટિ કેસ શોધી કાઢવા માટે ટેસ્ટીંગ અને સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. દરરોજ 70 હજાર જેટલા કોરોના ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યાં છે.